ઈન્ટર્નસ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રોત્સાહક નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા-સુશ્રુષા કરી રહ્યા છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13,000 કર્યું હતું. હવે કૉવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટસ ડૉક્ટર્સને રૂપિયા 13,000 ના સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000 નું ખાસ કૉવિડ પ્રોત્સાહન આપવાનો પ્રોત્સાહક નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ડોક્ટર્સ દ્વારા પગાર વધારવાની માંગ કરવામાં આવી હતી. જેના કારણે તેઓ હડતાળની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા હતા. ડોક્ટર્સ ફ્રન્ટલાઇન વોરિયર બનીને પ્રથમ વેવ અને બીજા વેવમાં પણ દેશની પડખે ઉભા રહ્યા છે. તેવામાં ડોક્ટર્સને યોગ્ય વળતર મળે તેવી માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી