જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ છે. શહેરના વિવ્ધિ વિસ્તારોમાંથગી રેંકડી કેબિનો સહિતના દબાણો દૂર કરાઇ રહ્યા છે. ગુરૂવારે બપોરના સમયે બર્ધન ચોક, માંડવી ટાવર સહિતના વિસ્તારો દબાણો દૂર કર્યા બાદ સાંજે પવનચકકીથી લાલપુર બાયપાસ સુધીના માર્ગ પરથી એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર ખડકાયેલા હંગામી સ્ટોલો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં દુકાનધારકો, ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા દુકાનની બહાર ગેરકાયદેસર ખડકાતા ટેબલ-ખુરશી, લોખંડના સ્ટેન્ડ, સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગુરૂવારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના બર્ધનચોક માંડવીટાવર સહિતના વિસ્તારોમાંથી રેંકડી-પથારાવાળાના દબાણો દુર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ સાંજના સમયે પવનચકકીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ વિસ્તારમાં રોડની સાઈડમાં અનેક ફ્રુટના તથા મસાલાના ધંધાર્થીઓ દ્વારા ગેરકાયદેસર હંગામી સ્ટોલ ખડકી દેવાય છે જેના પરિણામે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાય છે જે દબાણો એસ્ટેટ શાખાએ દૂર કર્યા હતાં અને આ વિસ્તારમાંથી આવા ધંધાર્થીઓ દ્વારા ખડકાયેલ ગેરકાયદેસર હંગામી તંબુઓ/સ્ટોલ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.