કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021 રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને કહ્યું કે, આના વિરોધમાં પાવર સેક્ટરના કર્મચારીઓએ 10 ઓગસ્ટના રોજ હડતાલ પર જવાની ધમકી આપી છે. ફેડરેશને દાવો કર્યો હતો કે 10 ઓગસ્ટના રોજ વીજ વિભાગના 15 લાખ કર્મચારીઓ કેન્દ્ર સરકારના આ પગલા સામે દેશભરમાં હડતાલ પર ઉતરશે.
ફેડરેશનના પ્રમુખ શૈલેન્દ્ર દુબેએ રવિવારે કહ્યું કે જો સોમવારે બિલ રજૂ કરવામાં આવશે તો અમે હડતાલ પર જઈશું. ફેડરેશને માંગ કરી છે કે ઉતાવળમાં બિલ પસાર કરવાને બદલે તેને સંસદની સ્થાયી સમિતિમાં મોકલવામાં આવે. ફેડરેશને વિવિધ રાજકીય પક્ષોની સંસદને આ જનવિરોધી બિલનો વિરોધ કરવા અનુરોધ કર્યો છે.
દુબેએ કહ્યું કે જો સંસદીય સ્થાયી સમિતિને વાંધા ઉઠાવવાની તક આપ્યા વગર સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવે તો તે મુખ્ય હિસ્સેદારો, ગ્રાહકો અને વીજ કર્મચારીઓ માટે અન્યાયી રહેશે. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન અને નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઇઝ એન્ડ એન્જિનિયર્સએ તેને લોકો વિરોધી ગણાવ્યો છે.
ફેડરેશને કહ્યું કે કેરળ વિધાનસભાએ સંપૂર્ણ સંમતિથી બિલનો વિરોધ કર્યો છે. બિહાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓએ આનો વિરોધ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખ્યા છે. તેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગલફવિ, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોએ સમયાંતરે જાહેર મંચ પર બિલનો વિરોધ કર્યો છે.
વીજળી માટેનો ખરડો સંસદમાં પેશ થશે તો, 15 લાખ કર્મચારીઓ આવતીકાલે હડતાળ પર ઉતરશે
મોટા ભાગના રાજયોએ આ બિલને જનવિરોધી લેખાવ્યું છે