Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસ હારે તો રાહુલે પક્ષનું સંચાલન મૂકી દેવું જોઇએ : પ્રશાંત કિશોર

કોંગ્રેસ હારે તો રાહુલે પક્ષનું સંચાલન મૂકી દેવું જોઇએ : પ્રશાંત કિશોર

- Advertisement -

કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં હારી જાય તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ બાજુ પર ખસી જવું જોઈએ અને પક્ષનું સંચાલન અન્ય કોઈને સોંપી દેવું જોઈએ તેમ જાણિતા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વિપક્ષની ભૂલોના કારણે આ વખતે પૂર્વ અને દક્ષિણમાં ભાજપનો દેખાવ ખૂબ જ સારો રહેવાની સંભાવના છે. જોકે, પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે 370 બેઠકો જીતવાનો લક્ષ્ય હાંસલ કરવો અત્યંત મુશ્કેલ હોવાનું પણ કહ્યું હતું. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે એક પખવાડિયાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે જાણિતા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ ના હોવા છતાં વ્યવહારૂ રીતે રાહુલ ગાંધી જ પક્ષ ચલાવી રહ્યા છે અને તેઓ છેલ્લા 10 વર્ષથી કોઈ પરિણામ લાવી ના શકતા હોય તો તેમણે બાજુ પર હટી જવું જોઈએ અને પક્ષનું સંચાલન અન્ય કોઈને સોંપી દેવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, મારું માનવું છે કે તમે કોઈપણ સફળતા વિના છેલ્લા 10 વર્ષથી એક જ કામ કરી રહ્યા હોવ અને છતાં તમે ખસી ના જાવ તો તે અ-લોકતાંત્રિક છે. તમારે પાંચ વર્ષ માટે પક્ષ અન્ય કોઈને ચલાવવા સોંપવો જોઈએ. રાજીવ ગાંધીના નિધન પછી તેમના માતા સોનિયા ગાંધીએ આ કરી બતાવ્યું હતું. જોેકે, રાહુલ ગાંધીમાં સમસ્યા એ છે કે તેમનું માનવું છે કે તેઓ બધું જ જાણે છે. રાહુલ ગાંધીનું માનવું છે કે તેમને એવા માણસની જરૂર છે, જે પોતે જેવું વિચારે છે તેનો અમલ કરી શકે અને આ શક્ય નથી. આ લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે 370થી વધુ બેઠકોના લક્ષ્યાંકને હાંસલ કરવો અત્યંત મુશ્કેલ છે તેમ કહેતા પ્રશાંત કિશોરે ઉમેર્યું હતું કે, ભાજપના સ્પષ્ટ પ્રભુત્વ છતાં પક્ષ અને વડાપ્રધાન મોદી અજેય નથી. તેમને હરાવી શકાય છે. વિપક્ષ પાસે ભાજપના વિજયરથને રોકવા માટે અલગ અલગ સમયે યથાર્થવાદી સંભાવનાઓ હતી, પરંતુ આળસ અને ખોટી રણનીતિઓ તેમજ ભૂલોના કારણે તેમને વારંવાર ભાજપને બેઠા થવાની તકો આપી છે.

- Advertisement -

તેમણે ઉમેર્યું કે, વિપક્ષની ભૂલોના કારણે આ લોકસભા ચૂંટણીમાં ભાજપ પૂર્વ અને દક્ષિણમાં જબરજસ્ત દેખાવ કરી શકે છે. તેલંગણામાં ભાજપ પહેલા અથવા બીજા નંબરે રહી શકે છે જ્યારે ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળમાં પહેલા નંબરે આવી શકે છે. તેલંગણા, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર અને કેરળમાં લોકસભાની કુલ 204 બેઠકોમાંથી 2024 અને 2019માં ભાજપને અનુક્રમે 29 અને 47 બેઠકો જ મળી હતી. પરંતુ આ વખતે તેની બેઠકો ઘણી વધી શકે છે. જોકે, ભાજપ માટે 370 બેઠકો જીતવાની કોઈ સંભાવના તેમને જણાતી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular