કાલાવડમાં રણુજા (દેવપુર) ગામની સીમમાં પ્રૌઢને ગામમાં આંટો મારવા જવાની ટેવ હોય તેની પત્નીએ આંટો મારવા જવાની ના પાડતા તેનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

બનાવની વિગત મુજબ, કાલાવડના રણુજા (દેવપુર) ગામની સીમમાં જેરામભાઈ ગોવિંદભાઈ ઈટાલિયાની વાડીએ રહેતાં અને ખેતમજૂરી કરતા રાજુભાઈ નંદનસીંગ ભડિયા (ઉ.વ.45) નામના પ્રૌઢને રાત્રીના સમયે ગામમાં આંટો મારવા જવાની ટેવ હોય જેથી તેમના પત્નીએ આંટો મારવા જવાની ના પાડતા તે બાબતનું મનમાં લાગી આવતા ગત તા. 10 માર્ચના રોજ વાડીએ પડેલ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સંજયભાઈ ભડિયા દ્વારા પોલીસને જાણ કરાતા કાલાવડના હેકો ડી એસ જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.