કાલાવડ તાલુકાના ગુંદા ગામમાં પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા મનમાં લાગી આવતા મરચાના પાકમાં છાંટવાની ઝેરી દવા પી જઈ યુવાને આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતાં બિહારના યુવાને તેની ઓરડીમાં અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
પ્રથમ બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી સરદી ગામનો વતની અને હાલ કાલાવડ તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી ઈરફાનભાઈની વાડીમાં મજૂરી કામ કરતા એપ્રેમભાઈ ઉર્ફે બીટુભાઈ રમેશભાઈ મેહડા (ઉ.વ.35) નામના યુવાને તેની પત્ની હિનાબેન પાસેથી દારૂ પીવાના પૈસાની માંગણી કરી હતી પરંતુ, પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા આ બાબતનું મનમાં લાગી આવતા એપ્રેમભાઈએ ગત્ તા.13ના રોજ સાંજના સમયે તેના ખેતરે મરચાના પાકમાં છાંટવાની દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને ગોંડલની ખાનગી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું ગત તા. 24 ના રોજ મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકની પત્ની હિનાબેન દ્વારા જાણ કરાતા હેકો જી.આર. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, બિહારના મુઝફરપુરના પંચરૂખિયા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલી સગા કોલોનીમાં ઓરડી ભાડે રાખી મજૂરી કામ કરતા સંજીતકુમાર મુખલાલ પાસવાન (ઉ.વ.25) નામના યુવાને તા.22ના રાત્રિના 1 વાગ્યાથી સવારના 6 વાગ્યાના સુધીના સમય દરમિયાન રૂમનો દરવાજો અંદરથી બંધ કરી કોઇપણ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની કિરીટસિંહ કેર દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.સી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ઓરડીનો દરવાજો તોડી અંદરથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


