દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં મીઠાપુર પોલીસ દ્વારા વિદેશી દારૂ અંગેની કરવામાં આવેલી કાર્યવાહીમાં ભીમરાણા ગામે રહેતા એક શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 14.69 લાખની કિંમતની 1,333 બોટલ પરપ્રાંતિય શરાબનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન આરોપી શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા તથા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા આજરોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં મીઠાપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહીરાજદાન ગઢવી તથા જયપાલસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર નજીકના ભીમરાણા ગામે ખારા વિસ્તારમાં રહેતા મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા નામના શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 1333 બોટલ કબજે કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસે રૂ. 14,68,700 ની કિંમતનો પરપ્રાંતીય શરાબનો જથ્થો કબજે કરી, આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન આરોપી મયુરસિંહ ઉર્ફે પાકલ મનુભા જાડેજા પોલીસને હાથ લાગ્યો ન હતો. જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. ડી.એન. વાંઝા, હેડ કોન્સ્ટેબલ મહિરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા, રાજદીપસિંહ ઝાલા, મુકેશભાઈ વાઘેલા, ધર્મદીપસિંહ જાડેજા, વિશ્વાસભાઈ ચૌહાણ અને રવિરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.


