જામનગર જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર દ્વારા અખાત્રીજ, ભગવાન પરશુરામની જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભા યાત્રામાં અલગ-અલગ કુલ 40 જેટલા ફલોટસ જોડાયા હતા. જેમાં બેટી બચાવોના સંદેશ સાથેનો ફલોટ્સ, 10 ખુલ્લી બગીઓમાં વિવિધ અવતારોમાં આશરે 140 બાળકો વેશભુષામાં અલગ-અલગ ફલોટ્સમાં પરીવાર સાથે જોડાયા હતા. બ્રહ્મસમાજની મહિલાઓ દ્વારા નવદુર્ગાના અવતારનો ફલોટસ આકર્ષણનુ કેન્દ્ર રહયુ હતું.
આ સાથે જ શણગારેલા, ઘોડા, ઉંટગાડી, શણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બાહ્મણોના સંત,મહાપુરૂષના ફલોટ્સ પણ હતા. પરશુરામ શોભાયાત્રાનું સાંજે બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી જાણીતા કથાકારભાઈ રમેશભાઈ ઓઝા, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, આર.સી.ફળદુ, શહેર ભાજપા અધ્યક્ષ ડો. વિમલ કગથરા, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, કોર્પોરેટર કિશન માડમ, ડિમ્પલ જગત રાવલ, આશિષ જોશી સહિત અનેક આગેવાનોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહયા હતા. શોભાયાત્રામાં જાણિતા હાસ્યકલાકાર સાંઈરામ દવે પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. પરશુરામ જયંતીના દિવસે સવારે બ્રહ્મણોના ઈષ્ટદેવ પરશુરામજીની પુજા કાશીવિશ્વનાથ મંદિર ખાતે સવારે 9 વાગ્યે કરવામાં આવી હતી. પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન થઈ ને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી, પંચેશ્વરટાવર ખાતે પુર્ણાહુતી થઇ હતી. ઠેર ઠેર શોભાયાત્રાનુ સ્વાગત કરાવામાં આવ્યું હતું. શોભાયાત્રાના કન્વીનર હિરેનભાઈ કનૈયા, સહકન્વીનર રૂપેશ કેવલિયા તથા કિશોરભાઈ ભટ્ટ, તેમજ યુવા ટીમ શોભાયાત્રામાં વધુ સારી રીતે પસાર થાય અને વધુ લોકો જોડાય તે માટે સક્રિય રહ્યા હતા.