આ વર્ષે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે દેશમાં 4 મહિનામાં વરસાદ 98 ટકા રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદની શક્યતા છે. ભારતના ઉત્તરીય ભાગો, મધ્ય ભારત, હિમાલયની તળેટી અને ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગો, ઉત્તર પશ્ચિમ ભારતના ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પના દક્ષિણ ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં આ વર્ષે સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ જળસ્તર ઘટવા લાગ્યું છે ત્યાં હવે વરસાદની ઘટની આગાહીથી ચિંતાનું મોજું ફેલાયું છે. પૂર્વોત્તર વિસ્તાર નાગાલેન્ડ, મણીપુર, મઝોરમ અને ત્રિપુરામાં સિઝનમાં ઓછો વરસાદ રહેશે. મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. જુન માસથી દેશમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત અને રાજસ્થાનની સાથે સાથે પૂર્વોત્તરનાં રાજ્યો નાગાલૅન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં સમગ્ર ચોમાસા દરમિયાન ઓછો વરસાદ થવાનો ખતરો છે. ગુજરાતમાં ગત વર્ષે 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48% વરસાદ નોંધાયો હતો. સમગ્ર દેશમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહે તેની સંભાવના 65% , ઘટ નોંધાય તેની સંભાવના 25% અને સામાન્યથી જ સારું રહે તેની સંભાવના 10% છે.