કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામની સેવા સહકારી મંડળી લિમિટેડમાં મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બે વર્ષ પૂર્વે ખેડૂત સભાસદો પાસેથી પાક ધીરાણ પેટે નાણાંની વસૂલાત કરી જુદી-જુદી રસીદો ફાળવી અને અમુક રસીદો ખોટી બનાવી જમીન ખરીદના નામે રૂા.60 લાખની ઉચાપાત કર્યાની પ્રમુખ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ છેતરપિંડીની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામમાં આવેલી શ્રી નપાણીયા ખીજડિયા સેવા સહકારી મંડળી લીમિટેડમાં મંત્રી તરીકે ફરજ બજાવતા બિપીન ચંપક જોશીએ બે વર્ષ અગાઉ તેમની ફરજ દરમિયાન 21 ઓગસ્ટ 2020 પહેલાં બિપીનએ મંડળીના ખેડૂત સભાસદો પાસેથી પાક ધીરાણ પેટે નાણાંની વસૂલાત કરી હતી અને અલગ અલગ રસીદો ફાળવી તે પૈકીની અમુક રસીદોમાં મંત્રીએ તેની જાતે ફેરફાર કરી બોગસ રસીદો બનાવી રોજમેળમાં મનઘડત હિસાબ લખ્યો હતો. આ હિસાબમાં મંત્રીએ રોજમેળ પાના નં.61 માં સામાન્ય ખાતાવહી નંબર 115 થી ‘શ્રી જમીન ખરીદ ખાતે બા.જે. મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી શ્રી બિપીન જોશીને વાઉચર મુજબ વાઉચર નંબર 66 રૂા.60,00,000 ની રોકડ કોઇ પણ ઠરાવ કે મંજૂરી વગર એન્ટ્રી કરી ઉચાપાત કરી હતી.
કોઇપણ મંજૂરી કે ઠરાવ વગર ઉચાપાત કર્યા બાદ મંત્રી આરોપી બિપીન ચંપક જોશીએ તા.29/12/2020 ના રોજ મંડળીના લેટરપેડ ઉપર કાલાવડ મામલતદારને સંબોધીને શ્રી નપાણીયા ખીજડિયા સેવા સહકારી મંડળી લીમિટેડના બોજા/ગીરો મુકતી કરવા મળેલ નોટીસનો જવાબનો વિષય રાખી પોતાનો બચાવ કરવાના ઈરાદે ખોટુ લખાણ લખી અને આ લખાણમાં પ્રમુખ રાઘવ દેવશીની બોગસ સહી કરી સીક્કો મારી ખોટા દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર પ્રકરણની બે વર્ષ બાદ જાણ થતા પ્રમુખ રાઘવ ઉર્ફે રઘુભાઈ દેવશીભાઈ ભાલારાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મંત્રી બિપીન જોશી વિરૂધ્ધ જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફે મંત્રી બિપીન જોશી વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત કરી પ્રમુખની ખોટી સહિ કર્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.