બિપરજોય ચક્રવાતની જામનગર અને દ્વારકા જિલ્લામાં વ્યાપક અસર થઈ હતી. જેના કારણે હાલારમાં 100 કિ.મી.ની ઝડપે ફુંકાયેલા પવનની સાથે વરસેલા વરસાદથી અસંખ્ય વૃક્ષો અને પીજીવીસીએલના થાંભલાઓ પડી ગયા હતાં. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં 1 ઈંચથી 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો છે આ વરસાદને કારણે જામનગરના લાખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.
દરિયાઈ કાંઠે લેન્ડફોલ થયેલા બિપરજોય ચક્રવાતની અસર હાલારમાં જોવા મળી હતી. આ ચક્રવાતને કારણે 100 થી 125 કિ.મી.ની ઝડપે ફુંકાયેલા પવન અને સાથે વરસેલા વરસાદે વૃક્ષો અને વીજપોલનો સોથ વાળી દીધો હતો. જેમાં હાલારના આશરે 24 હજારથી વધુ થાંભલાઓ પડી ગયા છે અને અસંખ્ય વૃક્ષોને મૂળમાંથી ઉખેડીને ફેંકી દીધા છે. ચક્રવાતને કારણે હાલારના મોટાભાગના વિસ્તારોમાં 30 કલાકથી અંધારપટ્ટ છવાયેલો છે. ચક્રવાતની સાથે સાથે હાલારમાં એક ઈંચથી લઈને 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જામનગર જિલ્લામાં વરસેલા વરસાદના આંકડામાં જામનગર શહેરમાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારના 6 વાગ્યા સુધીઓમાં જામનગરમાં 159 મિ.મી.(6 ઈંચ), તાલુકાના વસઈમાં 47 મિ.મી., લાખાબાવળમાં 62 મિ.મી., મોટી બાણુગારમાં 54 મિ.મી., ફલ્લામાં 30 મિ.મી., જામવણથલીમાં 38 મિ.મી., મોટી ભલસાણમાં 32 મિ.મી., અલિયાબાડામાં 50 મિ.મી.અને દરેડમાં 70 મિ.મી.વરસાદ પડયો હતો.
જોડિયામાં 88 મિ.મી.(3.5 ઈંચ) તથા તાલુકાના હડિયાણામાં 80 મિ.મી., બાલંભામાં 80 મિ.મી., પીઠડમાં 65 મિ.મી. તથા ધ્રોલ ગામમાં 73 મિ.મી.(3 ઈંચ) તેમજ ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં લતીપુરમાં 62 મિ.મી., જાલિયાદેવાણીમાં 51 મિ.મી. અને લૈયારામાં 12 મિ.મી. વરસાદ પડયો હતો. કાલાવડમાં 98 મિ.મી.(4 ઈંચ) તેમજ તાલુકાના નિકાવામાં 60 મિ.મી., ખરેડીમાં 60 મિ.મી., મોટાવડાળામાં 65 મિ.મી., ભલસાણ બેરાજામાં 75 મિ.મી., નવાગામમાં 55 મિ.મી. અને મોટા પાંચદેવડામાં 65 મિ.મી.વરસાદ વરસ્યો હતો.
જ્યારે લાલપુરમાં 95 મિ.મી.(2 ઈંચ) તથા તાલુકાના પીપરટોડામાં 18 મિ.મી., પડાણામાં 45 મિ.મી., ભણગોરમાં 37 મિ.મી., મોટા ખડબામાં 20, મોડપરમાં 55 મિ.મી.અને હરીપરમાં 40 મિ.મી. વરસાદ નોંધાયો છે તેમજ જામજોધપુરમાં 23 મિ.મી.(1 ઈંચ) તથા જામજોધપુર તાલુકાના સમાણામાં 13 મિ.મી., શેઠવડાળામાં 15 મિ.મી., જામવાડીમાં 07 મિ.મી., વાંસજાળિયામાં 60 મિ.મી., , ધુનડામાં 28 મિ.મી., ધ્રાફામાં 60 મિ.મી. અને પરડવામાં 06 મિ.મી. વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં 6 ઈંચ જેટલો નોંધાયો છે. આ વરસાદ અને ભારે પવનને કારણે શહેરના સેતાવાડ વિસ્તારમાં આવેલા એક મકાનનો ભાગ ધરાશાયી થતા બાજુમાં રહેતા પરિવારના મકાનની સીડી પર પડતા પરિવારના બે પુરૂષો અને ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓ ફસાઈ જતાં જામનગર ડે. ચીફ ફાયર ઓફિસર પાંડેયન, સ્ટેશન ઓફિસર જસ્મીન ભેંસદડિયા, ઉપેન્દ્ર સુમાર, હિતેન્દ્રસિંહ વાળા, અર્જુનસિંહ ગોહિલ અને નેશનલ ફાયર એકેડમીના તાલીમાર્થીઓ દ્વારા રેસ્કયૂ ઓપરેશન કરી ફસાયેલા પરિવારના પાંચ સભ્યોને ગણતરીની મિનિટોમાં જ સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ વોર્ડ નં.12 માં આવેલી ફાત્માબાઇ મસ્જિદ પાસેના એક મકાનનો રવેશનો ભાગ ધરાશાયી થયો હતો. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.