2022 વિધાનસભાની ચૂંટણીમાં જામનગર અને દ્વારકાની સાત બેઠકો માટે ઉમેદવારી પત્રો રજૂ થયા બાદ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જામનગરની પાંચ બેઠકોમાં કુલ 145 ફોર્મ રજૂ થયા હતાં. જે પૈકીના 73 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં. જ્યારે 72 ફોર્મ માન્ય રહ્યાં હતાં. દ્વારકાની ખંભાળિયા અને દ્વારકા બેઠક પર 53 ઉમેદવારી પત્રો માંથી 9 ફોર્મ અમાન્ય થતા હવે 44 ફોર્મ માન્ય રહ્યાં છે.
ગુજરાત રાજ્યમાં 2022 વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1 લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. આ પ્રક્રિયા માટે 14 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી જામનગરની 76 કાલાવડ(અ.જા.), 77 જામનગર ગ્રામ્ય, 78 જામનગર ઉત્તર, 79 જામનગર દક્ષિણ અને 80 જામજોધપુર આ પાંચ બેઠકોમાં કુલ 145 ઉમેદવારી પત્રો રજૂ થયા હતાં. જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સહિતના પક્ષો દ્વારા તેમના ઉમેદવારો અને અપક્ષ દાવેદારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતાં. ઉમેદવારી પત્રો ભરાયા બાદ બીજા દિવસે આ ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવતાં જેમાં કુલ 73 ફોર્મ અમાન્ય થયા હતાં. જેથી હવે જામનગરની પાંચ બેઠકો માટે 72 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યાં હતાં.
જામનગરની પાંચ બેઠકો માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદની પરિસ્થિતિ મુજબ
76 કાલાવડ(અ.જા.)માં 16 ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જે પૈકીના 10 ઉમેદવારી પત્રો અમાન્ય રહેતા હવે માત્ર 6 જ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ચાવડા મેઘજીભાઇ અમરાભાઇ (ભાજપ), પ્રવીણ નરસીભાઇ મુસડિયા (કોંગ્રેસ), ચૌહાણ મહેન્દ્ર દિનેશભાઇ (બીએસપી), ડો. જીજ્ઞેશ સામતભાઇ સોલંકી (આપ) તથા ચૌહાણ પ્રવીણભાઇ દાનાભાઇ, બથવાર કાનજીભાઇ પૂંજાભાઇ મેદાનમાં રહ્યાં છે. હવે ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે નિશ્ર્ચિત થશે.
77 જામનગર ગ્રામ્યની બેઠક ઉપર કુલ 31 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાં ફોર્મ ચકાસણી દરમ્યાન 19 ઉમેદવારી પત્રો રદ્દ થતા હવે માત્ર 12 જ ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે. જેમાં કાસમ નૂરમામદ ખફી (બીએસપી), આહિર જીવણભાઇ કારૂભાઇ કુંભરવડિયા (કોંગ્રેસ), પટેલ રાઘવજીભાઇ હંસરાજભાઇ (ભાજપ), પ્રકાશ ધીરૂભાઇ દોંગા (આપ) અને અપક્ષના અલહુસેન અબ્દુલ્લા નોંધાણી, અસલમ દાઉદભાઇ કકલ, ગુલામ મુસ્તફા, ચાંદ્રા ધર્મેન્દ્ર ધીરજલાલ, ભાંભી દીપક જીવાભાઇ, ભૂરાલાલ મેઘજીભાઇ પરમાર, રાઠોડ વસરામભાઇ નરસંગભાઇ, સલીમ મુલ્લા મળી કુલ 12 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. હવે ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
78 જામનગર ઉત્તરની બેઠક ઉપર કુલ 41 ઉમેદવારી પત્ર રજૂ થયા હતાં અને વહીવટી તંત્ર દ્વારા ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા બાદ હવે 22 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. જેમાં એડવોકેટ જગદીશ માણસીભાઇ ગઢવી (બીએસપી), બિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજા (કોંગ્રેસ), રિવાસિંહ હરદેવસિંહ સોલંકી( રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા-ભાજપ), કપીલભાઇ જસમતભાઇ અજૂડિયા( ભારતીય નેશનલ જનતા દળ), કરસનભાઇ પરબતભાઇ કરમૂર (આપ), જાડેજા નરેન્દ્રસિંહ મજબૂતસિંહ (બબુભાઇ – સમાજવાદી પાર્ટી), રઘુવીરસિંહ અનોપસિંહ ગોહિલ (ગરવી ગુજરાત પાર્ટી) અને અપક્ષના અનવર દાઉદ કકલ, અનવર નૂરમામદ સંઘાર, કેર રહીમ ઓસમાણભાઇ, ચાવડા અશોક નાથાભાઇ, જાહિદ આવદભાઇ જામી, ડાયાભાઇ જેઠાભાઇ ગોહિલ, ડાયાભાઇ રામાભાઇ રાઠોડ, દિનેશભાઇ ભરતભાઇ પરમાર, ધારવિયા દયાળજીભાઇ આંબાભાઇ, નિર્મળભાઇ વીરજીભાઇ પરમાર, બથવાર નાનજીભાઇ અમરશીભાઇ, મલેક આદિલ રશીદભાઇ, મિયા આમીન રહીમભાઇ, સહદેવસિંહ દિલીપસિંહ ચુડાસમા અને હિનાબેન દેપાભાઇ મકવાણા સહિતના 22 ઉમેદવારી પત્રો માન્ય રહ્યાં હતાં.
79 જામનગર દક્ષિણની બેઠક ઉપર કુલ 33 ઉમેદવારી પત્રો રજૂ થયા હતાં. જેમાં ચકાસણી દરમ્યાન 12 ફોર્મ અમાન્ય રહેતા કુલ 21 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે અને ફોર્મ પરત ખેંચવાના દિવસ બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. આ 21 ઉમેદવારોમાં અકબરી દિવ્યેશભાઇ રણછોડભાઇ (ભાજપ), કથીરિયા મનોજભાઇ ગોરધનભાઇ (કોંગ્રેસ), મકુબેન કિશોરભાઇ રાઠોડ (બીએસપી), કમલેશકુમાર જયંતીલાલ હિરપરા (ભારતીય નેશનલ જનતાદળ), ગોહેલ મુકેશ વજુભાઇ (ગુજરાત નવનિર્માણ સેના), વિશાલ રાજબલ ત્યાગી(આપ) અને અપક્ષના અબજલ મામદભાઇ ભાયા, અલતાફ કરીમભાઇ પંજા, અલીમામદ ઇશાક પાલાણી, આમીન મામદભાઇ સફિયા, કલ્પેશ વસંતભાઇ લિંબાસિયા, કાદરી મહમદહુસેન આરીફમિયા, ખાખરિયા નિલેશકુમાર રસીકલાલ, ચૌહાણ જુનેદ અબ્દુલરજાક, ચૌહાણ ભરતભાઇ મોહનભાઇ, જીતેશ બાબુભાઇ રાઠોડ ઝાલા પૂનમબેન યોગેશભાઇ, દિનેશભાઇ જીવણદાસ મકવાણા, ચંદ્રકાન્ત મોહનલાલ પટણી, પઠાણ હિનાયતખાન સાહેદખાન, પરમાર અર્જુનભાઇ કરશનભાઇ સહિતના 21 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે.
અને 80 જામજોધપુર બેઠક ઉપર કુલ 24 ઉમેદવારી પત્રો રજૂ થયા હતાં અને આ કામગીરીમાં ફોર્મ ચકાસણી બાદ 12 ફોર્મ અમાન્ય રહેતા હવે માત્ર 12 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જેમાં કાલરિયા ચિરાગભાઇ રમેશભાઇ (કોંગ્રેસ), ચીમનભાઇ ધરમશીભાઇ સાપરિયા (ભાજપ), કાળુ ઉર્ફે વાલજી હીરાભાઇ સાગઠિયા (બીએસપી), આહિર હેમંતભાઇ હરદાસભાઇ (આપ), જુણેજા શબીરભાઇ ઇબ્રાહીમભાઇ (સપા), અને અપક્ષમાં અબુ ઉમર શીડા, આહિર હરદાસભાઇ કરશનભાઇ, આંબાલાલ મનજીભાઇ વાવેચા, જોશી અમિત બાબુભાઇ, પ્રવીણભાઇ વલ્લભભાઇ પટેલ, બશીરભાઇ સિદિકભાઇ સમા અને બેરા રામશી મેપા સહિતના ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં હતાં.
તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની બન્ને બેઠકો ઉપર કુલ 38 ફોર્મ ભરવામાં આવ્યા હતાં. જેમાં ચકાસણીના અંતે કુલ 29 ફોર્મ માન્ય રહ્યાં હતાં. તે પૈકીની 81 ખંભાળિયા બેઠક ઉપર સાત ફોર્મ અમાન્ય થતા હવે 14 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જ્યારે 82 દ્વારકા બેઠક ઉપર 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. તેમાં બે ફોર્મ અમાન્ય થતા હવે 15 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જો કે, ફોર્મ પરત ખેંચવાની તા.17ના રોજ અંતિમ ચિત્ર સ્પષ્ટ થઇ જશે અને કેટલા ઉમેદવારો મેદાનમાં રહે છે તેઓ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.