જામનગર સહિત સમગ્ર રાજયમાં કોરોનાની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે ત્યારે એક રાહતની લહેર પણ પ્રસરી રહી છે. રાહતની લહેર એ છે કે, બીજી લહેરની સરખામણીમાં ખૂબ જ ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી રહી છે. જામનગર શહેરની વાત કરીએ તો, કુલ 1832 કોવિડ બેડની સુવિધા અને ક્ષમતા ધરાવતી જી.જી.હોસ્પિટલમાં ગઇકાલ બુધવાર સુધીમાં માત્ર 60 દર્દીઓ જ સારવાર માટે દાખલ હોવાનું જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો. દિપક તિવારીએ ખબર ગુજરાતને જણાવ્યું હતું. એક તરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતીએ પ્રસરી રહ્યું છે ત્યારે ખાલી ખાલી કોવિડ હોસ્પિટલ રાહત પહોંચાડી રહી છે. બીજી લહેરના ભયાનક દ્રશ્યો નિહાળનાર જામનગરવાસીઓ માટે જી.જી.હોસ્પિટલના હાલના દ્રશ્યો ખરેખર રાહત આપનારા છે. બીજી લહેરમાં 1400બેડની ક્ષમતા સામે તેટલી જ સંખ્યામાં દર્દીઓ વેઇટીંગમાં પણ હતાં કે જેમને જગ્યા ન મળવાને કારણે બહાર એમ્બ્યુલન્સમાં, રોડ ઉપર, ઘરે, કારમાં અન્ય હોસ્પિટલોમાં અથવા તો અન્ય શહેરમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્રીજી લહેરમાં હજુ સુધી આ પ્રકારની ગંભીર સ્થિતિ જોવા મળી નથી. ત્રીજી લહેર માટે જેને જવાબદાર માનવામાં આવે છે. તે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટાના પ્રમાણમાં ઓછો ઘાતક હોવાનો હાલની હોસ્પિટલાઇઝેશનની સ્થિતિ પરથી જણાય રહ્યું છે. ત્રીજી લહેર ભલે એટલી ઘાતક ન હોય પરંતું તબીબોના મતે તેને હળવાશથી લેવાની જરા પણ જરૂર નથી.માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું ખુબ જ આવશ્યક છે. કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન જ તમને આ મહામારી થી બચાવી શકશે.
be aware be careful