જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલા ગુના સંદર્ભે ટીમે મહિલાના નામના ફેક આઈડી બનાવી મિત્રતા કરી વીડિયો કોલ અને રેકોર્ડીંગ કર્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી નકલી સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપી બ્લેકમેઇલ કરતા હરિયાણાના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, જામનગરમાં સાયબર ક્રાઈમ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદીને અજાણ્યા નંબરથી વોટસએપમાં મેસેજ કરી મહિલાના નામનું ફેક આઇડી બનાવી મિત્રતા કેળવતો શખ્સ વીડિયો કોલ દરમિયાન કપડા ઉતારી વીડિયો રેકોર્ડીંગ કરી લેતો હતો અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર તથા યુ-ટયુબ ઉપર વાયરલ કરવાની ધમકી આપતો હતો તેમજ આ વીડિયો દ્વારા નકલી સીબીઆઈ તથા યુ-ટયુબના અધિકારી તરીકે ઓળખ આપી બ્લેક મેઈલ કરી સેકસ્ટોર્શન કરતી ગેંગના સાગરિતો દ્વારા 20,98,364 જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. આ ફરિયાદના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમની ટીમના પો.કો. રાહુલ મકવાણા દ્વારા ટેકનિકલ એનાલિસીસ કરી આરોપીને ટે્રસ કરતા હરિયાણાના મેવાત વિસ્તારમાં હોવાનું જણાતા ટીમે હરિયાણા પહોંચી જઇ ડુંગરાળ તથા જંગલ વિસ્તારમાં ફરીને સ્થાનિક પોલીસની મદદથી હરિયાણાના મેવાત વિસ્તારમાંથી મેસરદીન ઈબ્રાહિમ મેઉ નામના શખ્સને દબોચી લીધો હતો.
સાઈબર ક્રાઈમે મેસરદીનની પૂછપરછ કરતા મેસરદીન સેક્સ્ટોર્શન કરતી ગેંગ સાથે સંપર્કમાં રહી તેની પાસે આવતા ફેક બેંક એકાઉન્ટના નામે એટીએમથી પૈસા વીડ્રો કરી અન્ય આરોપીને મોકલાવતો હતો. આ ગેંગ દ્વારા પ્રથમ ડમી સીમકાર્ડ અને બેંક એકાઉન્ટ મેળવી અન્ય સભ્યોને આપે છે. ત્યારબાદ ગેંગના સભ્યો દ્વારા વોટસએપ પર મહિલાનું પીકચર રાખી મિત્રતા કરી અને મિત્રતા દરમિયાન એકાએક વીડિયો કોલ કરી નિવસ્ત્ર થઈ વીડિયો કોલનું રેકોર્ડીંગ કરે છે. ત્યારબાદ યુ-ટયુબ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુ-ટયુબ અને સીબીઆઈના નકલી અધિકારી વીડિયો વાયરલ ન કરવા માટે રૂપિયા પડાવતા હોય છે અને અન્ય શખ્સ સીબીઆઈના અધિકારી તરીકેની ઓળખ આપી મહિલાએ આત્મહત્યા કરી છે અને ફરિયાદ દાખલ થવાની છે તેવા બહાને ધમકાવી-ડરાવીને પૈસા પડાવે છે. આવી મોડસ ઓપરેન્ડી દ્વારા લોકોની સાથે ઠગાઈ કરતી ગેંગથી બચવા માટે સાઈબર ક્રાઈમ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત બ્લેકમેઇલ કરતા શખ્સોનો શિકાર થતા બચો અને તેમની સાથે કોઇ નાણાંકીય વ્યવહાર ન કરો. વીડિયો કે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપનાર સામે ડર્યા વગર પોલીસનો સંપર્ક કરો.