હોળી-ધુળેટીનું દ્વિ-દિવસીય પર્વ સમગ્ર દેશમાં પરંપરાગત રીતે તથા વિવિધ રૂપે આનંદ-ઉલ્લાસપૂર્વક ઊજવાય છે. ભારતનાં વિવિધ રાજ્યોમાં ભાગોમાં આ પર્વ વિવિધ નામે-રીતે-રૂપે ઊજવાતું હોવાથી તેમાં પ્રાદેશિક વૈવિધ્ય વરતાય છે.
ગુજરાત, રાજસ્થાનમાં હોળી-ધુળેટી, મહારાષ્ટ્રમાં રંગપંચમી, પંજાબમાં હોળીમહોલ્લાં, હરિયાણામાં દુલંદી, બિહારમાં ફગુઆ, તામિલનાડુમાં કાળમંદીગાઈ, ગોકુલ-મથુરામાં લઠામારહોલી, કોંકણમાં શિમગો, દક્ષિણ ભારતમાં કામદહન, ગોવામાં શિળગોણ વગેરે નામે-રૂપે આ પર્વ ઊજવાય છે. ત્યારે ભારતભરમાં રહેતા તમામ લોકો પોતાની સંસ્કૃતિ મુજબ હોળી પર્વની ઉજવણી કરતા હોય છે. જામનગર શહેરના વુલનમિલ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી વસવાટ કરતા રાજસ્થાની સમાજના લોકો દ્વારા હોળીના તહેવારની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. જેમાં રાજસ્થાની પુરુષો પગમાં ઘૂંઘરું, માથા ઉપર, સાફો, ધોતી – કુર્તો, ડફલી, વાંસળી સાથે રાજસ્થાની ફાગણ ધમાલ નૃત્ય કરી હોળીના તહેવારની ઉજવણી 7 દિવસ પહેલા શરૂ કરી હતી.