જામનગરમાં યોજાયેલ રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા માટે જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશનને ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તા.6 એપ્રિલના રોજ રાજપથ કલબ ખાતે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસો. દ્વારા મેઘાલયમાં યોજાયેલ નેશનલ ચેમ્પિયનશીપ પ્રતિયોગીતામાં ભાગ લેવા જનાર ગુજરાત રાજ્યના ખેલાડીઓનું તેમજ રાજ્યના જિલ્લા એસોસિએશનોને ઉત્કૃષ્ટ મેજર રેન્કીંગ ટૂર્નામેન્ટના આયોજન માટે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય એસો.ના પ્રમખુ વિપુલ મિત્રા, સેક્રેટરી કુશલ સંગતાની, ઉપપ્રમુખ પ્રદિપસિંહ ચુડાસમા અને ઉદ્યોગપતિ આશિષ સોપારકરની ઉપસ્થિતિમાં આલોક પાંડે દ્વારા ટોકયો પારા ઓલીમ્પિકમાં રજત ચંદ્રક મેળવનાર ભાવના પટેલને પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં જામનગર ડીસ્ટ્રીકટ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની સ્પર્ધા સર્વોત્તમ તથા સુઆયોજિત થઈ હોવાનું કાર્યક્રમ દરમિયાન જાહેર કરવામાં આવ્યું હતું. તે નિમિત્તે જામનગર એસોસિએશનના હોદ્ેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જેડીટીટીએના સેક્રેટરી પ્રકાશભાઈ નંદા તથા કેતનભાઈ કનખરાનું સન્માન વિપુલ મિત્રા (જીએસટીટીએ) ચેરમેન દ્વારા મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું.
જેડીટીટીએની સમગ્ર ટીમ વતી એવોર્ડ સ્વિકારી પ્રકાશભાઈ તથા કેતનભાઈએ સ્પર્ધાના સ્તરને વધુ ઉંચુ લઇ જવા માટે પોતાની કટિબધ્ધતા દર્શાવી હતી. આગામી સમયમાં જેડીટીટીએ દ્વારા ખાસ સમર કેમ્પનું આયોજન કરી જામનગરના ખેલાડીઓને રાજ્ય તથા રાષ્ટ્રીયસ્તર પર યોજાતી સ્પર્ધા માટે તૈયાર કરવા માટેની તૈયારીઓ દેખાડી છે. જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસો.ના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા તેમજ ઉપપ્રમુખ જયેશભાઈ શાહ, ઉર્મિલ શાહ, ઉદયભાઈ કટારમલ, દિનેશભાઈ કનખરા અને એસો. કમિટી જિલ્લાના ખેલાડીઓના રમતના સ્તરને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે કટિબદ્ધ છે.