જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સાયકલસવારને ઠોકરે ચડાવી હડફેટે લેતા સાયકલસવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના કિસાન ચોક નજીકના ગણેશવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નારણભાઈ જીવાભાઈ વારસાખીયા (ઉ.વ.55) નામના પ્રૌઢ રવિવારે સાંજના 6:30 વાગ્યાના અરસામાં સાયકલ પર જતા હતાં ત્યારે ખંભાળિયા ગેઈટ નજીક પહોંચ્યા ત્યારે પૂરઝડપે આવી રહેલી જીજે-10-સીએન-1386 નંબરની કારના ચાલકે સ્ટીરયીંગ પરનો કાબુ ગુમાવી સાયકલસવાર પ્રૌઢને હડફેટે લઇ પછાડી દેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત કાર વીજપોલ સાથે અથડાઈ હતી. જેમાં કારની આગળના ભાગનો ભુકકો બોલી ગયો હતો. અકસ્માત ચાલક કાર મૂકીને નાશી ગયો હતો.
ત્યારબાદ એકઠાં થયેલા લોકોએ કરેલી જાણના આધારે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણના આધારે પીએસઆઈ વી.કે.ગઢવી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી નથુભાઈ વારસાખીયાના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.