જામનગર તાલુકાના શહેરમાં દરેડ ગામમાં આવેલા ચારણવાસમાં રહેતાં પ્રૌઢા તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના ગરબી જોઇ પરત ફરતા હતાં ત્યારે રાંદલ માતાજીના મંદિર નજીકથી ચાલીને જતાં હતાં ત્યારે પૂર ઝડપે બેફીકરાઇથી આવતી સફેદ કલરની કારના ચાલકે પ્રૌઢા સહિત 11 વ્યક્તિઓને હડફેટે લેતા હિટ એન્ડ રનમાં એક યુવતીનું મોત નિપજ્યું હતું.
હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં ચારણવાસમાં રહેતા કુંવરબેન રાણસુરભાઈ રવશી (ઉ.વ.55) નામના પ્રૌઢા તેમના પરિવારજનો સાથે બુધવારે રાત્રિના સમયે ગરબી જોઇને પરત ફરતા હતાં ત્યારે રાંદલ માતાજીના મંદિર નજીકથી ચાલીને ઘરે જતાં સમયે પૂર ઝડપે બેફીકરાઇથી આવતી સફેદ કલરની કારના ચાલક જેઠા નાગશી ગઢવીએ પ્રૌઢા અને તેના પરિવારજનો સહિતના 11 વ્યક્તિઓને ઠોકરે ચડાવ્યા હતાં. જેમાં પ્રૌઢા અને તેમના પુત્ર તથા પુત્રીઓ સહિતનાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હિટ એન્ડ રનના આ કેસમાં કારચાલકે આલીબેન ઉર્ફે આલુ રામસુર રવશી (ઉ.વ.20) નામની યુવતીને ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અગિયાર વ્યકિતઓને ઠોકરે ચડાવતા ચાલકે કાબુ ગુમાવી દેતા કાર નાઘેડી તરફના રસ્તે પલ્ટી ખાઈ ગઇ હતી અને ત્યારબાદ ચાલક કાર મૂકી નાશી ગયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા પીએસઆઇ આર.એ. વાઢેર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં તેમજ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી કુંવરબેનના નિવેદનના આધારે કારચાલક જેઠા નાગશી ગઢવી વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.