પોકસોના કાયદાની અવેરનેશના અભાવે સાંપ્રત સમયમાં ટીનએઈજ પ્રેમ પ્રકરણના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. પરિણામે મુગ્ધાવસ્થામાં થયેલા પ્રેમ સંબંધોના કારણે થયેલા અપરાધમાં ઘણાં બધાં યુવાનો પોકસોના કાયદા હેઠળ જેલ સજા ભોગવી રહેલા છે જે તેવા જ આ કિસ્સાની વિગત એવી છે કે, લાલપુર તાલુકાના ગલ્લા ગામની એક સાડા સોળ વર્ષની સગીરાને આરોપી મહેશ ઉર્ફે મયુર નાથાભાઈ પરમાર સાથે પ્રેમ સંબંધો બંધાતા બન્ને પોતાની ઉંમરનો ખ્યાલ રાખ્યા વિના ઘરેથી ચાલ્યા ગયા હતાં. જેથી આરોપી વિરુધ્ધ અપહરણ, બળાત્કાર તથા પોકસોના કાયદા હેઠળનો કેસ નોંધાયેલ હતો અને પ્રેમી આરોપીને જેલ હવાલે થવું પડયું હતું.
આરોપી મહેશ પરમારને જામીન મળી ગયેલ અને ત્યારબાદ પણ યુવતી સાથેના પ્રેમ સંબંધો ચાલુ રહેલ હતાં અને તે દરમિયાન સગીરા પુખ્ત વયની થઈ જતાં બંનેએ રાજીખુશીથી લગ્ન કરી લીધા હતાં. જેથી આરોપી મહેશ પરમારે તેમની વિરૂધ્ધનો પોકસો/બળાત્કારનો કેસ ખારીજ કરવા સંબંધેની અરજી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીએ ભોગ બનનાર સાથે જ લગ્ન કરી લીધેલ છે અને બંને સુખરૂપી લગ્નજીવન વિતાવી રહ્યા છે. ત્યારે આરોપી વિરૂધ્ધનો કેસ ચલાવવાથી ન્યાયનો કોઇ હેતુ સરે તેમ ન હોય, આરોપી અને ભોગ બનનારના પ્રેમ સંબંધોની વિગતો ધ્યાને લઇ આરોપી મહેશ ઉર્ફે મયુર નાથાભાઈ પરમાર વિરૂધ્ધનો પોકસો તથા બળાત્કાર સંબંધેનો પોલીસ કેસ ખારીજ (કવોસ) કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ કિરણભાઈ બી. બગડા તથા પ્રેમલ એસ. રાચ્છ રોકાયા હતાં.