દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 25 મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થનાર છે. બેટ દ્વારકા ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકવામાં આવનાર છે, ત્યારે આ માટેની તૈયારીઓ તેમજ વ્યવસ્થા ચકાસવા અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના નેતાઓ અને આગેવાનોએ વિવિધ સ્થળોની મુલાકાત લઇ અને જરૂરી મીટીંગો યોજી હતી. દ્વારકામાં સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકવા સાથે એન.ડી.એચ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ તમામ બાબતોને અનુલક્ષીને શુક્રવારે દ્વારકાની પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ જિલ્લા પંચાયતના પી.એસ. જાડેજાને સાથે રાખીને મિટીંગ સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આગામી કાર્યક્રમો સંદર્ભે યોજાઇ ગયેલી મિટીંગ ઉપરાંત હેલીપેડથી જગતમંદિર સુધીના માર્ગ ઉપરાંત સભા સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, જિલ્લા સંગઠનના રાજુભાઈ સરસીયા, મોહનભાઈ બારાઈ, ખેરાજભા કેર, રમેશભાઈ હેરમા, પરબતભાઈ વરૂ, ખંભાળિયા શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, ઓફિસર ભરતકુમાર વ્યાસ, સી.એલ. ચાવડા, રાજુભાઈ બથીયા, આનંદભાઈ હરખાણી, ધરણાંતભાઈ ચાવડા, અવનીબેન રાયમંગીયા, વિજયભાઈ બુજડ, સહિતના કાર્યકરોએ જોડાઈને વડાપ્રધાનના આગમન પૂર્વેની તૈયારીઓ અંગે નિરીક્ષણ કરી, વિવિધ આયોજનો બાબતે ચર્ચા વિચારણાઓ કરી હતી.