ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર, 650 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અકસ્માતને લઈને ઈમર્જન્સી બેઠક બોલાવી છે. બેઠક બાદ પ્રધાનમંત્રી દુર્ઘટના સ્થળની મુલાકાતે જશે. તેમજ હોસ્પિટલની મુલાકાત લઇ ઘાયલોના ખબર અંતર પણ પૂછશે. આ અકસ્માત બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7 વાગે થયો હતો. રેલવેના જણાવ્યા અનુસાર, કોલકાતા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા પરથી ઊતરી ગઈ હતી. આ પછી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન નજીકના ટ્રેક પર ઊભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. હૈયુ હચમચાવતી ટ્રેન દુર્ઘટના
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પહેલાં યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ હતી. તેના કેટલાક કોચ બીજા ટ્રેક પર પલટી ગયા અને બીજી બાજુથી આવતી શાલિમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ. આ પછી કોરોમંડલ ટ્રેનની કેટલીક બોગી પણ પાટા પરથી ઊતરી ગઈ હતી. આ બોગી અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી. કેટલીક બોગી માલગાડીની ઉપર ચઢી ગઈ હતી. જિલ્લા કલેક્ટર, એસપી, રેન્જ આઈજી પોલીસ સહિત 3 NDRF ટીમો અને 20થી વધુ ફાયર સર્વિસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. ભુવનેશ્વરમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે 115 એમ્બ્યુલન્સ, 50 બસો અને 45 મોબાઈલ હેલ્થ યુનિટ તહેનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય 1200 રેસ્ક્યૂ કર્મીઓ પણ હાજર છે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભુવનેશ્વર અને કોલકાતાથી બચાવ ટીમો મોકલવામાં આવી છે. NDRF, રાજ્ય સરકારની ટીમો અને એરફોર્સનાં હેલિકોપ્ટર બચાવ માટે પહોંચી ગયાં છે.
ઘાયલોને મદદ કરવા માટે 2000થી વધુ લોકો રાતથી બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર ઊભા છે. અનેક લોકોએ રક્તદાન પણ કર્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યૂરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સએ બાલાસોર ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એઈમ્સ ભુવનેશ્વરમાં ઈજાગ્રસ્તો માટે પથારી, ICU વગેરેની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપી છે. આ અકસ્માતગ્રસ્ત રૂટની 6 ટ્રેન રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બહાનગા પહોંચવામાં બંને ટ્રેન વચ્ચે 3 કલાકનો તફાવત હતો, પરંતુ એકસાથે આવી ગઈ ટ્રેન નંબર 12864 બેંગલુરૂ – હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 જૂનના રોજ સવારે 7:30 વાગ્યે બેંગલુરૂના યશવંતપુર સ્ટેશનથી રવાના થઈ હતી. 2 જૂને રાત્રે લગભગ 8 વાગે હાવડા પહોંચવાનું હતું. એ એના નિર્ધારિત સમય કરતાં 3.30 કલાકના વિલંબ સાથે 06:30 વાગ્યે ભદ્રક પહોંચી હતી. આગલું સ્ટેશન બાલાસોર હતું, જ્યાં ટ્રેન 4 કલાકના વિલંબ સાથે 7:52 વાગ્યે પહોંચવાની હતી. જ્યારે ટ્રેન નંબર 12841 શાલિમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂને જ બપોરે 3:20 વાગ્યે હાવડાથી રવાના થઈ હતી. એ 3 જૂને સાંજે 4:50 વાગ્યે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચે છે. એ સાંજે 6.37 વાગ્યે બાલાસોર પહોંચી. આગલું સ્ટેશન ભદ્રક હતું, જ્યાં ટ્રેન 7:40 વાગ્યે પહોંચવાની હતી, પરંતુ, લગભગ 7 વાગ્યે બંને ટ્રેન બહાનગા બજાર સ્ટેશન પાસે સામસામે પસાર થઈ હતી ત્યારે જ અકસ્માત થયો હતો.
ગોવા-મુંબઇ વંદે ભારત ટ્રેનનું લોન્ચિંગ રદ્
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ સમગ્ર દેશ શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે શનિવારના રોજ પીએમ મોદી ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી લોન્ચિંગ કરવાના હતા. પરંતુ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને કારણે તેનું લોન્ચિંગ હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે. પીએમ મોદી શનિવારના રોજ સવારે વીડિયો લિંક દ્વારા ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાના હતા. પરંતુ દુર્ઘટના બાદ રદ આ કાર્યક્રમ રદ કરાયો છે.
પ્રધાનમંત્રી મોદીએ વ્યકત કર્યો શોક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોરની ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાયની આપવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યકત કર્યું દુ:ખ, રાજયમાં તમામ જાહેર કાર્યક્રમો રદ્
આ અકસ્માત અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું ’દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. આ દુર્ઘટનાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે.
ઓડિશામાં આજે એક દિવસનો રાજકીય શોક
આ દુર્ઘટના બાદ ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તા. 2 જૂન 2023 ના રોજ બાલાસોરના બહાનાગામાં થયેલ દુ:ખદ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસનો રાજકીય શોકનો આદેશ આપ્યો છે અને તેથી 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ તહેવાર ઉત્સવ મનાવવામાં નહી આવે.