દ્વારકા જિલ્લાના પોશિત્રા ગામમાં રહેતા યુવાનને તેના ઘરે ટીવી જોતા સમયે અચાનક હૃદય રોગનો હુમલો આવતાં મોત નિપજયું હતું. ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા આધેડને નિદ્રાધિન હાલતમાં હાર્ટએટેક આવતાં બેશુઘ્ધ થઇ જતાં સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીકના પોસીત્રા ગામે રહેતા રાધાભા બાલુભા જડિયા નામના 42 વર્ષના યુવાન શુક્રવારે મોડી રાત્રીના સમયે પોતાના ઘરે ટીવી જોઈ રહ્યા હતા, તે દરમિયાન તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં રહેતા રવિન્દ્રભાઈ હસમુખભાઈ ટંડેલ નામના 50 વર્ષના માછીમાર આધેડને શુક્રવારે રાત્રિના સમયે નિંદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેક આવતા બેશુઘ્ધ હાલતમાં આધેડને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર ધવલભાઇ દ્વારા જાણ કરાતા ઓખા મરીન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


