Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરVIDEO : કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓથી હાલાર અવ્વલ નંબરે : સાંસદ પૂનમબેન માડમ

VIDEO : કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓથી હાલાર અવ્વલ નંબરે : સાંસદ પૂનમબેન માડમ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેન્દ્ર સરકારના નવ વર્ષના શાસનકાળની ભાજપા દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતાં ગઇકાલે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કેન્દ્ર સરકારના નવ વર્ષની સિધ્ધિઓ અને વિવિધ યોજનાઓ અંગે તેમજ વિકાસકામો અને આગામી કાર્યક્રમોની પત્રકારો સમક્ષ માહિતી આપી હતી. આ પત્રકાર થકી જનસંપર્ક અને લોકસપંર્ક અભિયાનનો પણ સાંસદ દ્વારા પ્રારંભ થયો હતો. હાલારમાં કેન્દ્ર સરકારના વિકાસલક્ષી પ્રોજેકટો તેમજ મહત્વની યોજનાઓની વિગતો પણ તેમણે રજૂ કરી હતી.

- Advertisement -

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પ સાથે સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આ પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમે સૌપ્રથમ જનસંપર્કના સૌથી સબળ અને સક્ષમ માધ્યમ મિડીયાના પ્રચાર-પ્રસારના પ્રતિનિધિઓનું અભિવાદન અને સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આ નવ વર્ષના શાસનકાળ દરમિયાન નવા ભારતના નિર્માણ અર્થે દેશના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળે અને દરેક વર્ગના, દરેક ક્ષેત્રના લોકોનું જીવનધોરણ ઉચ્ચ સ્તરે લઇ જવાનો અભિગમ અને સંકલ્પ મહદ્અંશે સિધ્ધ થયો છે. વડાપ્રધાને આત્મવિશ્ર્વાસ સાથે જણાવ્યું છે કે, આગામી 25 વર્ષમાં સમગ્ર વિશ્ર્વમાં ભારત પણ સમૃધ્ધ અને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બની જશે.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નવ વર્ષના શાસનકાળમાં હાલારના સંસદસભ્ય તરીકે નવા ભારતના નિર્માણમાં વિકાસકામોમાં સહભાગી બનવા અને 20 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી મળી છે. ત્યારે હાલારના સંસદીય વિસ્તારમાં કેન્દ્ર સરકારના વિવિધ લાભદાયી વિકાસ યોજનાઓનો ખૂબ જ અસરકારક રીતે અમલ થઇ રહ્યો છે. જેનો આનંદ અને ગૌરવ છે. તેમજ હાલારના બંને જિલ્લામાં દરેક વર્ગના લોકોને આ યોજનાઓનો સીધો લાભ મળ્યો છે અને કેન્દ્ર સરકાર હસ્તકના પૂર્ણ થયેલા વિકાસલક્ષી પ્રોજેકટો તેમજ ચાલી રહેલા યોજનાકીય કામો અને યોજનાઓનો લાભ પણ મળતો રહ્યો છે.

હાલારમાં થયેલા વિકાસકામોની વિગતો રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બેટદ્વારકામાં દરવર્ષે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. તેમને બોટ દ્વારા જ ઓખાથી બેટદ્વારકા જવું-આવવુ પડે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઓખા-બેટદ્વારકા વચ્ચે અતિ આધુનિક ટેકનોલોજી સાથેનો સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને આ બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે અને સંભવત: આ વર્ષના અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી શકે છે. આ ઉપરાંત તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે દ્વારકા જિલ્લાના મોજપ ખાતે નિર્માણ થનાર નેશનલ એકેડેમી ફોર કોસ્ટલ પોલીસી એકેડેમીના સેન્ટરનું ભૂમિપૂજન પણ થયું હતું. આ ઉપરાંત નેશનલ હાઇ-વે નિર્માણના પણ અનેક કાર્યો થયા છે. દ્વારકાથી પોરબંદર સુધીના નેશનલ હાઇ-વેનું કામ પૂર્ણ થયું છે. જ્યારે દ્વારકા નજીક કુરંગા પાટીયાથી ખંભાળિયા તાલુકાના દેવળિયા સુધીના નેશનલ હાઇ-વેનું કામ પણ લગભગ પૂર્ણતાના આરે છે. તેમજ અમૃતસર સુધીના માર્ગ પ્રોજેકટમાં ધ્રોલથી પીપરીયા ચાર રસ્તા સુધીના માર્ગનું કામ પણ ગતિમાં છે. તો બીજીતરફ ધોરાજી, જામકંડોરણા, કાલાવડ, કાલાવડથી જામનગર ફોરલેન રસ્તો તેમજ ત્રણ પાટીયા જામજોધપુર, સમાણા, કાલાવડ હાઇવેના કામો પણ મંજૂર થયા હોય, ટેન્ડર પ્રક્રિયા પ્રગતિમાં છે.

- Advertisement -

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલારમાં હવાઇસેવાની પણ સુવિધાઓ મળી છે. જામનગરથી મુંબઇ નિયમિત ફલાઇટની સાથે બેંગ્લોર અને હૈદ્રાબાદની ફલાઇટ સેવા શરુ થવાથી હાલારના વેપારીઓ, ઉદ્યોગકારોને ખૂબ જ સુવિધા પ્રાપ્ત થઇ છે. તેમજ દ્વારકામાં પણ એરપોર્ટના નિર્માણની કામગીરી ચાલુ હોય, ભવિષ્યમાં દ્વારકાને જોડતી હવાઇ સેવા પણ શરુ થઇ જશે. જામનગર એરપોર્ટને પણ આધુનિક અને સંપૂર્ણ સુવિધાજનક બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જામનગર-દિલ્હી અને અમદાવાદ વચ્ચે ફલાઇટની સુવિધા મળે તે માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

હવાઇ સેવાની સાથે દેશના છેવાડાના ગણાતાં હાલારને રેલવેની પણ સુવિધાઓ મળી છે. હાલારને ડબ્બલ ડેકર ગુડઝ ટ્રેઇનની સાથે ઉત્તર અને દક્ષિણ ભારતના છેડા સુધીના મુખ્ય શહેરો યાત્રાધામોને જોડતી ટ્રેનો તેમજ હમસફર જેવી આધુનિક અને ઝડપી ટ્રેનો પણ મળી છે. જામનગર રેલવે સ્ટેશને એક્સેલેટર સહિતની સુવિધાઓ પણ યાત્રાળુઓને મળી છે. તો બીજીતરફ રાજકોટથી ઓખા સુધી ઇલેકટ્રીફીકેશનનું કામ, પોરબંદરથી કાનાલુસ સુધી ઇલેકટ્રીફીકેશનનું કામ પણ પૂર્ણ થયું છે અને વાસજાળીયાથી જેતલસરનું કામ ચાલી રહ્યું છે. જે જુલાઇ 2024 સુધીમાં પૂર્ણ થશે. જેથી ટૂંકસમયમાં ડિઝલ એન્જિનના બદલે ઇલેકટ્રીક એન્જિનની ટ્રેનો પણ દોડતી થઇ જશે. તેમજ રાજકોટથી કાનાલુસ સુધી ડબ્બલ ટ્રેકનું કામ મંજૂર થયું હોય તે માટે જમીન સંપાદનની કાર્યવાહી પણ ચાલુ છે. કાનાલુસથી ઓખા સુધીના ડબલ ટ્રેક મંજૂર કરવા રજૂઆત કરવામાં આવતાં તે માટે પણ સર્વેની મંજૂરી રેલવે મંત્રાલય આપી છે. નવ વર્ષના શાસનકાળમાં જામનગર-બાંદ્રા હમસફર, હાપા-મુંબઇ સેન્ટ્રલ દુરંતો તથા ઓખા-શાલીમાર સુપર વિકલી અને હાપા-બિલાસપુર વિકલી ટ્રેન પણ શરુ થઇ છે. તેમજ સંસદીય મત વિસ્તારમાં પાંચ રેલવે ઓવરબ્રિજ તથા 35 રેલવે અંડરબ્રિજ પણ બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી કિશાન કલ્યાણનિધિ યોજના અમલમાં છે. જેમાં ખેડૂતોને દરવર્ષે રૂા. 6000ની ધનરાશી ખેતી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેમાં જામનગર જિલ્લામાં 1,38,434 લાભાર્થીઓને 293 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી છે. તેમજ દ્વારકા જિલ્લામાં 231 કરોડ જેટલી સહાય ચૂકવાઇ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે જામનગર જિલ્લો, જામનગર મહાનગરપાલિકા, દ્વારકા જિલ્લો તથા મોરબીમાં કુલ 1,45,461 લાભાર્થીઓને 152 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી છે. કોરોનાકાળથી અત્યાર સુધીમાં વિનામૂલ્યે રાશન આપવાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ છે. જેમાં જામનગર જિલ્લામાં 9,35,000 પરિવારો તથા દ્વારકા જિલ્લામાં 4,90,561 પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાઇ છે. હાલારમાં 1,39,815 લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન, હાલારમાં 5650 પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજનાના આવાસો મંજૂર થયા છે.

હાલારમાં આયુષ્યમાન કાર્ડમાં 5,74,581 લાભાર્થીઓને 1.41 કરોડ જેટલી સહાય ચૂકવાઇ છે. તો બીજીતરફ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) દ્વારા જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિશીન સિસ્ટમ રિસર્ચ સેન્ટર શરુ કરવા માન્યતા આપવામાં આવી છે. જેનું નિર્માણ કાર્ય પણ ચાલુ છે અને જામનગરને સમગ્ર વિશ્ર્વમાં ગૌરવવંતુ સ્થાન મળ્યું છે.

હાલારના સાંસદ પૂનમબેન માડમની આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, મેઘજીભાઇ ચાવડા, મેયર બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયાર, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, દ્વારકા ભાજપના પ્રમુખ મયૂરભાઇ ગઢવી, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા ઉપરાંત જાડાના પૂર્વચેરમેન દિલીપસિંહ ચુડાસમા, ભાજપ અગ્રણી જીતુભાઇ લાલ, અગ્રણી ઉદ્યોગપતિ વિપુલભાઇ કોટક, આજકાલના તારીકખાન (પપ્પુખાન), ધર્મરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular