જામનગરના મચ્છરનગર ખાતે દર બુધવારે ગુજરી બજાર ભરાય છે. ત્યારે સ્થાનિકોને પડતી મુશ્કેલીના પગલે વોર્ડના કોર્પોરેટરે કમિશનરને રજૂઆત કરતાં જેએમસી એસ્ટેટ શાખા પોલીસ કાફલા સાથે પહોંચીને બુધવારી બંધ કરાવાઇ હતી.
જામનગરના વોર્ડ નં. 2 ખાતે મચ્છરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બુધવારી ગુજરી બજાર ભરાય છે. જગ્યા ખૂબ નાની છે. જ્યારે ત્યાં શાક માર્કેટ તો ઘણા સમયથી ભરાતી હતી. પરંતુ બુધવારી ભરાવાની શરુ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ ઉપરાંત આવારા તત્વો દ્વારા ચીલ ઝડપના બનાવો પણ બનતા હોય તેમજ થેલાવાળા દ્વારા સ્થાનિકો સાથે યોગ્ય વર્તન કરાતાં તેમજ માલ-સામાનને ઘરના ફળિયામાં રાખવા જેવી તકલીફો સર્જાતી હોય છે. આ ઉપરાંત મેડિકલ ઇમરજન્સીમાં 108 જેવા વાહનો પણ પ્રવેશી ના શકતા હોય, સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરાતાં કોર્પોરેટરો અને સ્થાનિકોએ મળીને મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેના પગલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા પોલીસના કાફલા સાથે ગુજરી બજાર બંધ કરાવા પહોંચી હતી. આમ, ચારેય કોર્પોરેટર દ્વારા કમિશનર અને પોલીસ વડાને લેખિતમાં રજૂઆતના પગલે આજે ગુજરી બજાર બંધ કરાવાઇ હતી. તેમ વોર્ડ નં. 2ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા જણાવાયું હતું.