હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો છે. ગઈકાલ મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું. ત્યારે આજે વહેલી સવારથી પણ ઘણી જગ્યાએ વરસાદ થયો છે. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા પાક નુકશાનની ભીતિના પરિણામે ખેડૂતો ચિંતિત છે.
રાજકોટમાં વરસાદના પરિણામે મગફળીને નુકશાન થયું છે. તો જામનગર અને દ્વારકામાં પણ ગઈકાલ રાત્રી બાદ આજે સવારે ઠંડી સાથે માવઠાની સ્થિતિ સર્જાઈ છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે અનેક જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. હવામાન વિભાગે 28મીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થશે તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
અગામી 48 કલાક સુધી એટલે કે હજુ બે દિવસ વરસાદી સિસ્ટમની અસર રહેશે. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, મોડાસા, મહિસાગર, દાહોદ, પાટણ સહિતના વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદ પડી શકે છે. તો પોરબંદર, અમરેલી, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને 30 ડિસેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધશે. ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટતાં માવઠા બાદ ઠંડીનો રાઉંન્ડ શરુ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે, ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.