ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રવિવારે સવારે હુસેની ચોક ખાતે બે કુટુંબો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં હથિયારોનો છૂટથી ઉપયોગ થયો હતો. આ બઘડાટીમાં છ જેટલી વ્યક્તિઓને ઈજાઓ સાથે આ ઘાવાયેલાઓને જામનગર ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે હુસેની ચોક વિસ્તારમાં આવેલી જુમા મસ્જિદ ખાતે ગઈકાલે રવિવારે સવારના આશરે સાડા દસેક વાગ્યે મુસ્લિમ પરિવારના કેટલાક સદસ્યોએ સલાયા મુસ્લિમ વાઘેર જમાતના પ્રમુખ બદલવા માટેની મીટીંગ રાખી હતી.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગોદી પાળો, હુસેની ચોક વિસ્તારમાં રહેતા અકરમ રજાકભાઈ સંઘાર નામના 30 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાન તથા અન્ય સ્વજ્ઞાતિના લોકો દ્વારા સલાયાના મુસ્લિમ વાઘેર સમાજના વર્તમાન પ્રમુખ સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ કરીમ ભગાડને બદલવા માટેની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન આ મિટિંગ બોલાવવા માટે વર્તમાન પ્રમુખ સાલુ પટેલે ના કહી હતી. તેમ છતા કેટલાક લોકો જુમ્મા મસ્જિદ ખાતે એકત્ર થયા હતા. તેમાં આવેલા સાલુ પટેલે સમાજના પ્રમુખ પોતે જ રહેશે તેવી જાહેરાત કરતા દેકારો અને ઉપસ્થિત લોકોમાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સાલુ પટેલ સાથે રહેલા અસલમ સાલેમામદ ભગાડ વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હોવાથી અહીં રહેલા એજાજ રજાકભાઈ સંઘાર દ્વારા અસલમ ભગાડને વિડીયો ઉતારવાની ના કહી હતી. જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી.
આના કારણે ઉશ્કેરાયેલા આરોપી અસલમ દ્વારા બિભત્સ ગાળો કાઢી, પોતાની પાસે રહેલી ધાતુની મુઠ વડે હુમલો કરી, આડેધડ મારવા લાગ્યો હતો. આ દરમિયાન એકઠા થયેલા આરોપીઓ સાલુ પટેલ કરીમ ભગાડ ઈમરાન સાલેમામદ ભગાડ તથા ઝહીર સાલેમામદ ભગાડ નામના કુલ ચાર શખ્સોએ એકસંપ કરી, ફરિયાદી અકરમ રજાકભાઈ તથા તેમના ભાઈ સાહેદ એજાજ રજાકભાઈ ઉપર ચપ્પુ, મુઠ તથા દાઢી કરવાના અસ્તરા વડે જીવલેણ હુમલો કરી, આડેધડ મારતા ફરિયાદી અકરમભાઈ તથા સાહેદ એજાજભાઈને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર બીજાઓ તેમજ એજાજને વાંસાના ડાબી બાજુમાં ફેફસાના ભાગે પંકચર જેવી ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આમ, મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ બાબતે વર્તમાન પ્રમુખ સહિતના ચારેય આરોપીઓ દ્વારા મારી નાખવા માટે જીવલેણ હુમલો કરી, બે ભાઈઓને ઇજાઓ કરવા સબબ અકરમભાઈ સંઘાર દ્વારા સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 307, 323, 324, 504, 114 તથા જી.પી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સલાયાના પીઆઈ અક્ષય પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ બનાવમાં સામા પક્ષે પણ કેટલાક યુવાનોને ઈજા થવા પામી હતી. આ બનાવ બનતા સલાયા ખાતે પોલીસે દોડી જઈ અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઘવાયેલાઓના નિવેદનો નોંધી અને પોલીસ ફરિયાદની તજવીજ માટે પીઆઈ અક્ષય પટેલ જામનગર દોડી ગયા હતા.