ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામે બે દિવસ પૂર્વે મુસ્લિમ પરિવારના યુવક- યુવતીના પ્રેમ સંબંધ પ્રકરણમાં બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં લાકડી તથા ધારીયા જેવા હથિયારો ઉડયા હતા. આ પ્રકરણમાં સામસામા પક્ષે કુલ ચૌદ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઇ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા રજાક કાસમ સંઘાર નામના 50 વર્ષીય મુસ્લિમ આધેડ પરિવારની એક યુવતીને મોટા આંબલા ગામે રહેતા નાઝીમ ઉર્ફે જીવાભાઈના ભાણેજ સાથે સાથે પ્રેમસંબંધ હોય, બંને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. આ બાબતનું ઘણા સમયથી બંને પરિવારો વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. તેનો ખાર રાખી, નાઝીમભાઈ ઉર્ફે જીવાભાઈ તથા તેમના પિતા અલારખાભાઈ, ભાઈ ગફારભાઈ તથા ઓસ્માણભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જેથી ફરિયાદી રજાકભાઈ સંઘાર તથા તેમનો પુત્ર સલીમભાઈ તેમને સમજાવવા જતા નાઝીમભાઈ, અલારખાભાઈ, અબ્દુલભાઈ, અકબરભાઈ, તેમજ હાજી ખમીશા, લતીફ કાસમ અને આમદ કાસમ નામના સાત શખ્સોએ એકસંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી અને સાહેદ સલીમભાઈ સંઘારને ધારિયા વડે ઈજાઓ પહોંચાડી હતી.
આ ઉપરાંત હાથમાં ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. રજાકભાઈ કાસમભાઈ, સલીમભાઈ, ગફારભાઈ અને ઓસમાણભાઈ નામના ચાર પરિવારજનોને ઈજાઓ કરી, આરોપી શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું રજાકભાઈ કાસમભાઈ સંઘાર દ્વારા પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે સાતેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 143, 147, 148, 149, તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પીએસઆઈ કે.એન. ઠાકરિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પ્રકરણમાં સામા પક્ષે મોટા આંબલા ગામના રહીશ આમદભાઈ કાસમભાઈ સંધિએ નાના આંબલા ગામના રજાક કાસમભાઈ સંઘાર, સલીમ રજાકભાઈ, ગફાર કાસમભાઈ, ઓસમાણ કાસમભાઈ, હનીફ હુસેનભાઈ, ઈસુબ હુસેનભાઈ અને આમીન હુશેનભાઈ નામના સાત શખ્સો સામે વાડીનાર મરીન પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી આમદભાઈના પિતરાઈભાઈને આરોપી પરિવારની એક પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી ઘર છોડીને જતા રહેતા આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી શખ્સો દ્વારા ફરિયાદી આમદભાઈ કાસમભાઈ તેમજ સાહેદ અલારખાભાઈ તથા બોદુભાઈ ઉપર કુહાડી, પાઈપ તથા લાકડીઓ વડે ઘાતક હુમલો કરી અને બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી, ઈજાઓ પહોંચાડી હતી.
ઉપરોક્ત બનાવ અંગે સ્થાનીક પીએસઆઈ કે.એન. ઠાકારિયાએ સાતેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2) તથા રાયોટીંગ અને જી.પી. એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
મોટા આંબલામાં યુવક-યુવતીના પ્રેમ પ્રકરણ સંદર્ભે બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ
લોખંડના ધારિયા, કુહાડી, લાકડી જેવા હથિયારો વડે હુમલો : સામ-સામા પક્ષે કુલ 14 શખ્સો સામે ફરિયાદ