ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી એક સરકારી શાળા પાસે ફાયર એનઓસી ન હોવાથી ગઈકાલે મંગળવારે સવારે નગરપાલિકા તંત્ર દ્વારા આ શાળામાં સીલ મારી દેવામાં આવ્યું છે. જેના કારણે પ્રાથમિક વિભાગના 400 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી.
રાજ્ય સરકાર શૈક્ષણિક સંકુલ ધરાવતી સંસ્થાઓમાં હવે ફાયર એન.ઓ.સી. ફરજિયાત પણે રાખવા અંગેના બહાર પાડવામાં આવેલા નિયમ અંતર્ગત આ નિયમોની અમલવારી કરવામાં નિષ્ફળ ગયેલી શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને ખંભાળિયા તાલુકાના સલાયા ગામની ત્રણ શાળાઓમાં સોમવારે સિલ મારવામાં આવ્યા બાદ ગઈકાલે મંગળવારે ખંભાળિયાના રાજડા રોડ વિસ્તાર નજીક આવેલી સરકારી તાલુકા શાળા નંબર 4 માં પણ ફાયર એન.ઓ.સી.ના અભાવે સવારે નગરપાલિકા તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.
શહેરની મધ્યમાં આવેલી અને અનેક નાના તથા ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ આપતી સરકારી તાલુકા શાળા નંબર 4 માં ધોરણ 1 થી 8 સુધીના વર્ગો કાર્યરત છે. કોવિડ પરિસ્થિતિમાં હાલ ધોરણ 6 થી 8 સુધીના 400 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. ફાયર એનઓસીના અભાવે આ શાળામાં ગઈકાલે સિલ મારી દેવામાં આવતા શૈક્ષણિક કાર્ય ખોરવાઈ ગયું હતું. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર દ્વારા આ મુદ્દે તાકીદે લક્ષ્ય લઈ અને અન્ય શાળામાં આ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ મહત્વના મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની એક પણ શાળામાં ફાયર એન.ઓ.સી. સંદર્ભે નોટિસ આપવામાં આવી નથી અને સિલ અંગેની કામગીરી કરાતાં હાલ અનેક વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફાયર અંગેના નિયમોની કડક હાથે અમલવારી કરવામાં બાળકોનો શિક્ષણ અંગેના મૂળભૂત અધિકારથી વિદ્યાર્થીઓ વંચિત રહેતા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ કામગીરી સંદર્ભે ઉપરોક્ત મુદ્દે અહીંના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચીફ ઓફિસરને લેખિત પત્ર પાઠવી, કોઈપણ પ્રકારની લેખિત જાણ કે નોટિસ આપ્યા વગર કરવામાં આવેલી આ કામગીરીને મનસ્વી ગણાવી, આ પગલાંથી વિદ્યાર્થીઓ તેમના શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. આમ, ફાયર અંગેના નિયમ સંદર્ભે સરકારી શાળાને સીલ મારી દેવામાં આવતા આ આ બાબતે શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.
ખંભાળિયામાં ફાયર એનઓસીના અભાવે સરકારી શાળા સીલ
તંત્રના અણઘડ વહીવટથી વિદ્યાર્થીઓ રઝળ્યા: વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ