દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામમાં રહેતાં વૃદ્ધા બુધવારે બપોરે જામજોધપુરમાં સ્ટેશન રોડ પરથી પસાર થતા હતાં ત્યારે પાંચ રાજસ્થાની મહિલાઓએ જુદી જુદી પાંચ મહિલાઓના ગળામાં પહેરેલા રૂા.3.30 લાખના પાંચ સોનાના ચેઈનની ચીલઝડપ કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુરમાં સ્ટેશન રોડ પર ખોજાખાના વિસ્તારમાં બુધવારે બપોરના સમયે એક સાથે પાંચ પાંચ મહિલાઓના ગળામાં પહેરેલા સોનાના ચેઈનની ચીલઝડપની ઘટનાએ ગામવાસીઓને ભયમાં મૂકી દીધા હતાં. બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામમાં રહેતાં સવિતાબેન મનસુખભાઈ વૈશ્નાણી (ઉ.વ.65) નામના વૃદ્ધાના ગળામાં પહેરેલો સોનાનો ચેઈન સુનિતાબેન સતિષ ચમાર નામની રાજસ્થાનની મહિલા અને અન્ય ચાર મહિલાઓએ પૂર્વ આયોજિત કાવતરુ રચી ચીલ ઝડપ કરી પલાયન થઈ ગયા હતાં. ઉપરાંત જામજોધપુરમાં અન્ય ચાર મહિલાઓના સોનાના ચેઈનની પણ ચીલ ઝડપની ઘટનાએ પોલીસને દોડતી કરતી દીધી હતી.
ભોગ બનનાર દ્વારકા જિલ્લાના વૃદ્ધાના સવિતાબેન દ્વારા જાણ કરવામાં આવતા ઈન્ચાર્જ પીઆઈ એમ.જી. વસાવા તથા સ્ટાફે રાજસ્થાનની સુનિતાબેન ચમાર અને અન્ય ચાર સહિત પાંચ મહિલાઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જામજોધપુરમાં જ વધુ ચાર મહિલાઓના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ થયાનું જણાતા પોલીસે મહિલા તસ્કર ગેંગ વિરૂધ્ધ કુલ રૂા.3,30,000 ના પાંચ સોનાના ચેઈનની ચીલઝડપનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.
છેલ્લાં થોડા સમયથી જામનગર શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જો કે, પોલીસ પણ આ ચોરીની ઘટનાઓ ડામવા માટે ડિટેકશન કામગીરી કરી રહી છે. હાલમાં જ જામજોધપુરમાં એક સાથે પાંચ પાંચ મહિલાઓના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસે રાજસ્થાનની આ મહિલા ગેંગની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.