છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે ભવ્યાતિભવ્ય રામ સવારી નિકળી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તળાવની પાળ પર આવેલા સુપ્રસિધ્ધ નબાલા હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઇ અને હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ અને પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન નશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના સાડા બાર વાગ્યે પૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્યામાં નગરજનોએ ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકીજીની પાલખીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા 26 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે રામધૂનના નારા ગજવતાં સમગ્ર શહેર રામમય બન્યું હતું.ન જામનગર શહેરમાં પરંપરાગત રીતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ એકતાલીસમી રામસવારીનું આયોજન હાથ ધરાયું હતું.
ગઇકાલે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભવ્ય રામ સવારી યોજાઇ હતી. સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. જેમાં બાલા હનુમાન મંદિરના પુજારી ઉપરાંત મંદિરના ટ્રસ્ટી ગણીના જીતુભાઇ લાલ, વિનુભાઇ તન્ના, રમેશભાઇ જોશી વિગેરે પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું. આ વેળાએ હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, પૂર્વ રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ખંભાળિયા વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, પૂર્વ પ્રમુખ અશોક નંદા, હિતેન ભટ્ટ, મેયર બિનાબેન કોઠારી, સ્ટે. ચેરેમને મનિષ કટારીયા, પૂર્વ મેયર પ્ર્રતિભાબેન જાડેજા, રિવાબા જાડેજા, કોર્પોરેટર સુભાષ જોશી, પરાગ પટેલ, અરવિંદ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા(હકાભાઇ), જયેન્દ્રસિંહ જાડેજા, ધવલ નંદા, વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, કોંગી મહિલા જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા તથા શહેર પ્રમુખ રંજનબેન ગજેરા, વગેરે હાજર રહ્યા અને પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની પાલખીનું પૂજન કર્યુ હતુંં. કોરોનાકાળના બે વર્ષ દરમ્યાન પ્રતિક રામસવારી યોજાયા પછી આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની મુખ્ય પાલખી સાથેનો ભગવા રંગથી સુશોભીત સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર ફલોટ્સને ભગવા વસ્ત્રોથી તેમજ ભગવા રંગથી શુશોભીત કરાશે અને ભવ્ય લાઇટીંગ સહિત સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. સાથો સાથ ડીજે સીસ્ટમ -પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત હિન્દુ જાગરણ મંચ, શિવ સેના, રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, મહા સેના, હિન્દુ સેના, પ્રણામી યુવક મંડળ, ઓમ યુવક મંડળ, કામેશ્વર મિત્ર મંડળ, ભોયરાજ યુવા સંઘ, સરસ્વતી યુવક મંડળ, ડી જે શિવાય ગુ્રપ સહિતના 26 જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ જોડાયા હતા. જેના દર્શનનો લ્હાવો લેવા માટે સમગ્ર શોભાયાત્રાના રૂટ પર રામ ભકતોની હકડેઠઠ જનમેદની ઉમટેલી જોવા મળી હતી.
ભગવાન શ્રીરામચંદ્રજીના અલૌકીક રથનો ભગવા ધ્વજ સાથેનો નજારો હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી 41 મી રામસવારીમાં આ વખતે અનેકવિધ આકર્ષણો ઉભા કરાયા હતા. જેમાં ખાસ કરીને જામનગર શહેરની સંસ્થા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીરામ-લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા સાથેનો એક સુંદર અને ભવ્ય આકર્ષીત ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસની રાહબરી હેઠળ રંગેબરંગી લાઇટ સાથેનો ભવ્ય રથ તૈયાર કરાયો હતો અને ભગવાન રામ લક્ષમણ જાનકીની પ્રતિમાને બીરાજમાન કરીને સમગ્ર રથને ભગવા ધ્વજથી સજજ બનાવી દેવામાં આવેલ હતો. ઉપરાંત રથની આગળ વિશાળ કદના ભગવા ધ્વજ સાથે 41 તરવરીયા યુવાનો જોડાયા હતા. જે ભગવા ધ્વજ સાથેનો નજારો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, અને ઠેર ઠેર ભગવાન રામ લક્ષ્મણ જાનકીની પાલખી સાથેના ફલોટસનું પુજન કરવા માટે ઉત્સાહભેર જોડાયા હતા.
આ ઉપરાંત રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા-સરબત-છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બાલા હનુમાન સંકિર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા સ્વાગત પછી, ચૈતન્ય વાસણ ભંડાર, જામનગર શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ, માતૃ શકિત ચેરીટેબલ ટ્રસ્ટ (રિવાબા જાડેજા), મોબાઇલ ઝોન (હવાઇ ચોક), હવાઇ ચોક મિત્ર મંડળ, હાલારી ભાનુશાળી જ્ઞાતિ, વિશ્વકર્મા મહાસંઘ, સતી માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, ભવાની યુવક મંડળ, નાગર ચકલા વેપારી એસોસીએશન, શકિત યુવક મંડળ, શિવ મિત્ર મંડળ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જય માતાજી હોટલ ગ્રુપ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકુળીયા હનુમાન મિત્ર મંડળ, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ યુવક મંડળ, હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શીવ મિત્ર મંડળ, યુવક મંડળ, સેન્ટ્રલ બેંક મીઠાઇ-ફરસાણ વેપારી એસોસીએશન, ઓમ યુવક મંડળ, પતંગીયા ફળી મિત્ર મંડળ, બ્રર્ધન ચોક ગુ્રપ નિરવભાઇ, બ્રહ્મ ક્ષત્રિય યુવક મંડળ, બ્રહ્મક્ષત્રિય / કંસારા મંડળ, સુખરામદાસ ગુ્રપ, સીંધી માર્કેટ વેપારી એસોસીએશન, બજરંગ મિત્ર મંડળ, રાણા મિત્ર મંડળ, દાજીબાપુ શેરી ગુ્રપ, જામના ડેરા મિત્ર મંડળ, સતવારા સમાજ (કાલાવડનાકા બહાર), રાજેન્દ્ર રોડ વેપારી એસો., ગણેશ મરાઠા મંડળ, શહેર ભાજપ પરિવાર, શિવ શકિત હોટલ ગુ્રપ, વાઘેશ્વરી માતાજી મંદિર (સોની સમાજ), ગણેશફળી મિત્ર મંડળ, આમ આદમી પાર્ટી, કોમી એકતા ગુ્રપ (અલુ પટેલ), પંકજ સોઢા ફાઉન્ડેશન, દિપક ટોકીઝ રીક્ષા એસો., પંજાબ બેંક રીક્ષા એસો., ચૌહાણ ફળી મિત્ર મંડળ, હર્ષીદા ગરબી મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, શિવશકિત સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ, જયદેવભાઇ ભટ્ટ, બનાસ અલ્પાહર (નારસંગભાઇ ગ્રુપ), વંડાફળી યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ-જામનગર, યંગ સોશ્યલ ગ્રુપ-પંચેશ્વર ટાવર, ઓમ કાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, રામજી મંદિર લોહાણા મહાજન જ્ઞાતિ-પંચેશ્વર ટાવર દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડાપીણાં-સરબત-પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
તેમજ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવેલ હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે તેમજ પ્રસાદ મેળવવા માટે અનેક રામભકતોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી અને શહેરમાં રામમય વાતાવરણ જોવા મળેલુ હતું. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (રાજુભાઇ મહાદેવ)ના માર્ગદર્શન હેઠળની આ વખતે સતત એકતાલીસમાં વર્ષે યોજાનારી રામસવારીના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં હતી છે. જેના ક્ધવીનર તરીકે જીમીભાઇ ભરાડ તથા સહ ક્ધવીનર તરીકે નિરૂભા જાડેજા તેમજ રાહુલ નંદાની નિયુકતી કરવામાં આવી હતી. જેમની આગેવાનીમાં રાજેન્દ્રસિંહ સોઢા, જીગર રાવલ, ચંદ્રવદન ત્રિવેદી, વ્યોમેશ લાલ, ભાર્ગવ પંડયા, પી. એમ. જાડેજા, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, ધિમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, હેમલ ગુસાણી, સંદીપ વાઢેર, કમલેશભાઇ ગુજરાતી (સુર્યાભાઇ), મૃગેશ દવે, મનોજભાઇ પરમાર, નંદલાલભાઇ કણઝારીયા, જીતુભાઇ ઝાલા, વૈભવ રાવલ, રાહુલ ચૌહાણ, જય બખતરીયા, વિજયસિંહ જાડેજા, હાર્દિક ગોપીયાણી, વિશાલ પંડયા, અમર દવે, ચિરાગ જીઝુવાડીયા, રાજ ત્રિવેદી, જસ્મીન વ્યાસ, યોગેશ ઝાલા, મિતેશ મહેતા, યોગેશ જોશી, યજુર્વેન્દ્રસિંહ જાડેજા સહિતના 46 સભ્ય કાર્યકરોની સમિતિ દ્વારા રામસવારીનું સંચાલન કરાયું હતું.
શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામ મંદિર પાસે કરાઇ હતી. જયાં લોહાણા મહાજન વાડીમાં આવેલ રામચંદ્રજી મંદિર ખાતે રામધુન તથા સંગીતમય હનુમાન ચાલીસા તથા સુંદર કાંડના પાઠ રાખવામાં આવ્યા હતા. પૂર્ણાહુતિ સમયે લોહાણા સમાજ મહામંત્રી રમેશભાઇ દત્તાણી, ઉપરાંત મનોજ અમલાણી, લોહાણા મહાજન જ્ઞાતિના કારોબારી સભ્ય હેમલ ચોટાઇ, નિલેષ ચંદારાણા, અનિલ ગોકાણી, નિલેશ ઠકરાર, રાજુભાઇ હિંડોચા, મધુભાઇ, અતુલ, રાજુ પતાણી, રાજુ ગોંદિયા, ભરતભાઇ કાનાબાર, રાજુ ચંદારાણા તથા બહેનો સહિતના લોહાણા મહાજન અગ્રણીઓએ ફૂલહારથી રામરથનું સ્વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી.
- શોભાયાત્રામાં સૌપ્રથમ વખત ઘોડેશ્ર્વાર પોલીસ
ગુજરાતમાં રામ નવમીના પર્વને દિવસે કેટલાક વિસ્તારોમાં કાંકરિચાળાના બનાવો બન્યા હતા, જેના પગલે જામનગરનું પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું હતું, અને ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ શોભાયાત્રા સાથે જોડાઈને ખડેપગે રહ્યા હતા. જામનગરમાં ગઈકાલે યોજાઇ ગયેલી રામ સવારી દરમ્યાન સાંજના સમયે જુદા જુદા રાજ્યના વિસ્તારોને બનાવોના પગલે શહેરના તમામ પોલીસ તંત્રને એલર્ટ બનાવી દીધું હતું, રતનબાઇ મસ્જિદ,દરબારગઢ,બર્ધન ચોક સહિતના વિસ્તારમાં ખૂદ જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા, અને પોલીસ અધિકારી તથા અન્ય પોલીસ કર્મચારીને તહેનાતમાં મૂકી દીધા હતા, અને સજ્જડ બંદોબસ્ત ને લઈને જામનગર શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે તે અંગેની કોઈ ઘટના નોંધાઈ ન હતી. મોડીસાંજે જામનગર ના ચાંદી બજાર વિસ્તારમાં ચાર ઘોડેસવાર પોલીસ ને પણ ફરજ પર મૂકી દીધા હતા. જેથી નાની શેરી ગલીઓમાં પણ પોલીસ તંત્ર આસાનીથી પહોંચી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ઊભી કરી લેવાઈ હતી, અને સંપૂર્ણપણે સુરક્ષાકવચ વચ્ચે એખલાસ ભર્યા વાતાવરણમાં રામ સવારી સંપન્ન થઇ હતી.બાલા હનુમાનથી પ્રારંભ થયેલી રામ સવારી સતત સાત કલાક સુધી શહેરના મુખ્ય રાજ માર્ગો પર ખૂબ જ શાંતિપૂર્વક અને ધાર્મિક વાતાવરણમાં પૂર્ણ થઇ હતી. જેમાં નવનિયુકત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સી.ટી. એ ડીવીઝનના પી.આઇ. એમ. જે. જલુ, સીટી બી ડીવીઝનના કે. જે. ભોયે, સીટી શી ડીવીઝનના પી.આઇ. કે. એલ.ગાધે., ડી.વાય.એસ.પી. કચેરીનીના પી.આઇ. બી. એમ. દેવમુરારી, એલ.સી.બી. પી.એ.આઇ. કે. કે. ગોહિલ અને,સીટી એ ના પી.સી.આઇ.મોઢવાડિયા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ અન્ય પી.એસ.આઇ. સહિતના વિશાળ પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ અને હોમગાર્ડઝ જવાન તથા ટ્રાફીક શાખાના સ્ટાફે સુંદર બંદોબસ્ત જાળવીને શોભાયાત્રાને લોખંડી સુરક્ષા કવચ પુરૂં પાડયું હતું. આ વખતે શોભા યાત્રામાં સૌ પ્રથમ વખત 4 ઘોડેસવાર પોલીસને પણ જોડવામાં આવ્યા હતાં.
- 41 મી રામસવારીમાં નારી શકિતના વિશેષ દર્શન
હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી 41 મી રામસવારીમાં આ વખતે અનેકવિધ આકર્ષણો ઉભા કરાયા છે. જેમાં ખાસ કરીને શોભાયાત્રામાં બહેનો મોટી સંખ્યામાં જોડાય તે માટેના વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જામનગરના સહિયર ગ્રુપના બહેનો દ્વારા લાલ વસ્ત્રો અને સાફા પરિધાન કરીને તલવાર બાજીના હેરતભર્યા પ્રયોગો ઉપરાંત જુદા જુદા વાજીંત્રોની મદદથી રામધુન બોલાવવામાં હતી. જેને નિહાળવા માટે ઠેર-ઠેર જનમેદની ઉમટી પડી હતી અને જયશ્રી રામના નારા ગજવી ભગવા ધ્વજ લહેરાવી નારી શકિતનું વિશેષ દર્શન કરાવ્યું હતું. આ ઉપરાંત રંગતાલી ગ્રુપના તમામ સભ્યો પણ સફેદ વસ્ત્રો સાથે ભગવા ખેસ ધારણ કરીને શોભાયાત્રામાં જોડાયા હતા અને રામધુન સાથે રાસની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ જાગરણ મંચ સહિતની ધાર્મિક સંસ્થા સાથેની દુર્ગાવાહીની ની બહેનો પણ સફેદ વસ્ત્રો ધારણ કરીને તેમજ સાફા પહેરીને જોડાઇ હતી અને રામધુન સાથે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત ઠેર-ઠેર પુષ્પ વૃષ્ટિ કરી હતી. આ ઉપરાંત પ્રણામી યુવક મંડળના ફલોટસની સાથે સાથે વોર્ડ નં. 16 ના બહેનો બ્હોળી સંખ્યામાં જોડાયા હતા અને પોતાના સ્થાનિક વિસ્તારમાંથી ફલોટસની સાથે બાઇક રેલી યોજીને જયશ્રીરામના નારા સાથે બાલા હનુમાનજીના મંદિર સુધી પહોંચ્યા હતા અને ત્યાર પછી ભગવાન રામની મુખ્ય રામ સવારીમાં જોડાઇને ડીજેના તાલે રામધુન બોલાવી રાસ રજુ કર્યા હતા.
- નગરની શોભા યાત્રામાં છોટે યોગી આદિત્યનાથ જોડાયા
જામનગર શહેરમાં પ્રતિવર્ષ યોજાતી રામ સવારીમાં નવા-નવા આકર્ષણો ઉભા કરાય છે, જેમાં આ વખતની રામ સવારીમાં ભગવાન રામ-લક્ષ્મણ- જાનકીના રથની સાથે મીની યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા, અને શહેરના સર્વે ભકતોને રામલ્લાના દર્શન કરાવ્યા હતા. મહાદેવ હર મિત્ર મંડળનાજ સભ્ય એવા હરીશભાઈ મકવાણા, કે જેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની વેશભૂષા માં આવ્યા હતા, અને ‘છોટા યોગી આદિત્યનાથ’ બનીને શોભાયાત્રામાં જોડાયા હતા. જે પણ સૌ રામભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
- રામસવારીના અન્ય આકર્ષણ
જામનગરના રણજીત રોડ, નવી વાસ વિસ્તારમાં ત્રિશુલ મિત્ર મંડળ દ્વારા આ વખતની રામ સવારીમાં સવિશેષ આકર્ષણ ઉભું કરાયું હતું. ગિનીશબુક ઓફ વર્લ્ડમાં સ્થાન પામેલા બાલા હનુમાનજીના મંદિરની આબેહુબ પ્રતિકૃતિ બનાવી હતી અને ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરી લોકોના દર્શનાર્થે મૂકવામાં આવી હતી. જેના દશનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. નનભગવા રક્ષક સેના દ્વારા ભગવા ધ્વજ ફરકાવાયાનન જામનગરની સંસ્થા ભગવા રક્ષક સેનાના યુવાનો દ્વારા તરવરીયા યુવાનો દ્વારા સુંદર અને આકર્ષક વસ્ત્રો સાથે પરિધાન થઇ માથે સાફા બાંધી શોભાયાત્રામાં જોડાયા હતા. જેઓએ 12 ફુટના વિશાળ કદના સ્ટેન્લેસ્ટીલના પાઇપ સાથે મોટા ભગવા ધ્વજ લહેરાવીને સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર ભગવાન રામચંદ્રજીના મુખ્ય રથની આગેવાની કરી હતી. જે ભગવાધારી ટીમની સાથે અનેક લોકોએ ફોટો પડાવ્યા હતા. સાથો સાથ પોતાના મોબાઇલમાં સેલ્ફી પણ લીધી હતી. ચાંદી બજાર વિસ્તારમાં ભગવા સેના ઉપરાંત શહેર ભાજપના તમામ હોદે્દારોએ ભગવા ધ્વજ લેહરાવી રામ નામના નારા લગાવ્યા હતા જેના કારણે ચાંદી બજારનો વિસ્તાર ભગવામય બન્યો હતો.
- રામ-રાવણના યુદ્ધ સાથેના દ્રશ્યો ભજવાયા
સતવારા સમાજ દ્વારા ચલીત શોભાયાત્રામાં રામ-લક્ષ્મણ-જાનકીના સુંદર આકર્ષક ફલોટસ સાથે જોડાયા હતા અને સમગ્ર શોભાયાત્રાના રૂટ પર 10 થી વધુ સ્થળોએ રામ અને રાવણના યુધ્ધ અંગેની પ્રતિકૃતિ રજુ કરાયુ હતુ. 7 થી 8 મીનીટ માટેનું તૈયાર કરાયેલું આ દશ્ય સર્વે નગરજનોએે નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા. ઉપરાંત ભગવારક્ષક ગુ્રપ દ્વારા પણ અલગ-અલગ રામ-લક્ષ્મણ-જાનકીની વેસભુષા સાથેના રામ ભગવાનના જીવનના જુદા જુદા પાત્રો અને તેના યાદગાર પ્રસંગો સાથેની વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરાઇ હતી, અને શોભાયાત્રાના જુદા જુદા માર્ગો પર તેનું નિદર્શન કરવામાં આવ્યુ હતું.
- ભોઈ સમાજની બાળાઓ દેશી મમરા અને તરવરિયા યુવાનોના લાઠીદાવ આકર્ષણનું કેન્દ્ર બન્યા
આ ઉપરાંત જામનગરના ભોયરાજ યુવા સંઘ દ્વારા પણ રામ સવારીને ભવ્ય બનાવવા માટેના વિશેષ આકર્ષણો ઉભા કરાયા હતા, અને સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમ્યાન સમાજના નાના મોટા બાળકોના તેમજ એક સરખા પહેરવેશ સાથે જોડાયેલી નાના બાળાઓએ લાઠી દાવ, લેઝીમ, ઉપરાંત યુવકોના લાઠી દાવ, બીલાખડી સહિતના હેરતભર્યા પ્રયોગો રજુ કરાયા હતા, જે સમગ્ર શોભાયાત્રાના રૂટ દરમ્યાન રામભકતો માટેનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
- 12 વર્ષના બાળકે લાઠી દાવથી નગરજનોને અચંબીત કર્યા
જામનગરના સતવારા સમાજ દ્વારા શોભાયાત્રામાં ચલીત ફલોટસ સાથે જોડાયા હતા તથા સમાજના અનેક તરવૈયા યુવાનો દ્વારા હૈરત ભર્યા પ્રયોગો રજુ કરાયા હતા ઉપરાંત રામ-રાવણ યુધ્ધનું દ્રશ્ય ખડુ કરવામાં આવ્યું હતું. શહેરના જુદા જુદા ચોકમાં રામ-રાવણ યુધ્ધ ઉપરાંત લવ-કુશના પ્રસંગની કથાના દ્રશ્યો અને રામ રાજ્યાભિષેકની ઝાંખી સહિતના પ્રસંગો રજુ કરવામાં આવ્યા હતા. જેને નિહાળવા માટે અનેક સ્થળે જન મેદની ઉમટી પડી હતી. ઉપરાંત સતવારા સમાજના જીજ્ઞેશ કલ્પેશભાઇ કણઝારીયા નામના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીએ એકી સાથે બબ્બે લાઠીઓ ફેરવીને સૌને આકર્ષીત કર્યા હતા એટલું જ માત્ર નહિ સમગ્ર સતવારા સમાજના મોટા યુવાનોને પણ પ્રશિક્ષણ આપીને શોભાયાત્રાના રૂટ પર લાઠી દાવ તલવાર બાજી સહિતના પ્રયોગો રજુ કરાવ્યા હતા. જે પણ સમગ્ર નગરભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.