જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા યોગેશ્ર્વરધામમાં રહેતી યુવતીના લગ્ન જીવનના સાત વર્ષ દરમિયાન સંતાન ન થવાથી પતિ અને સાસુ-સસરા સહિતનાઓએ અવાર-નવાર દુ:ખત્રાસ આપતા યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સાસરિયાઓ વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાના તાલાબમાં રહેતી રાશીબેનના લગ્ન મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલા યોગેશ્ર્વરધામમાં રહેતાં શૈલેન્દ્ર અશોકકુમાર દ્વિવેદી સાથે સાત વર્ષ પહેલાં થયા હતાં અને આ લગ્નજીવન દરમિયાન યુવતી એ સંતાન માટે દવા કરાવી હોવા છતાં સંતાન ન થવાથી પતિ શૈલેન્દ્ર, સસરા અશોકકુમાર અને સાસુ સુશીલાદેવી દ્વારા પુત્રવધૂને અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી મેણાટોણા મારતા હતાં તેમજ તેના પિતાના ઘરેથી દવાદારૂના બે થી ત્રણ લાખ લઇ આવવા ત્રા આપતા હતાં. સાસરિયાઓ દ્વારા અપાતો ત્રાસ સહન ન થતા રાશીબેને ગત તા.14 ના રોજ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવતીની આત્મહત્યાના દોઢ માસ બાદ રાજેશકુમાર તિવારી દ્વારા રાશીબેનના પતિ અને સાસુ-સસરા વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.એ. ચનિયારા તથા સ્ટાફે ગુનો નોંધી પતિ અને સાસુ-સસરાની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.