જામનગર શહેરની જી. જી. હોસ્પિટલના કોરોના વોર્ડમાં આજે સવારે અકસ્માતે આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગ તથા હોસ્પિટલનું તંત્ર દોડી ગયું હતું અને ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે, આખરે આ સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર કરવામાં આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી. જી. હોસ્પિટલમાં આગના સમયે દર્દીને તેમજ સ્ટાફને કઇ રીતે બચાવવા અને તેમની મદદ કઇ રીતે કરવી તેના માટે જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. કોવિડ હોસ્પિટલમાં દર મહિને ફાયર શાખા દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. કોરોના કાળમાં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે હોસ્પિટલમાં હોય છે. ત્યારે આગ જેવી કુદરતી ઘટના સમયે તકેદારી કઇ રીતે રાખી શકાય તેના માટે આજરોજ મોકડ્રીલ યોજાઇ હતી. જી. જી. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં આગ લાગ્યાના સમાચાર વાયતા થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આગના લીધે દર્દીઓ તથા તેમના પરિવારજનોમાં પણ ભાગદોડ મચી ગઇ હતી. પરંતુ આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર કરતા તંત્ર તથા દર્દીઓ અને પરિવારજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ફાયર વિભાગ દ્વારા આગજની ની ઘટનામાં દર્દીઓનો કઇ રીતે જીવ બચાવી શકાય તે માટે આ મોકડ્રીલ યોજાઇ હતી.
જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગથી અફડા-તફડી
સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર થતા રાહત