કોરોના કાળમાં પાટા ઉપરથી ઉતરી ગયેલી ભારતીય રેલ સેવા ફરી ટ્રેક ઉપર આવી રહી છે. 1 એપ્રિલથી તમામ ટ્રેનો દોડતી કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
ટ્રેનોને સંપૂર્ણ ક્ષમતાથી દોડવવા ભારતીય રેલવેએ તૈયારી શરૂ કરી દીધી છે અને હોળીના તહેવાર સુધીમાં તેને આખરી ઓપ આપી દેવામાં આવી શકે છે. 29 માર્ચે ધૂળેટી છે જે અંતર્ગત ટ્રેનોની ભારે ડિમાન્ડ રહે છે. મુસાફરોને હાલાકીનો સામનો કરવો ન પડે એટલે 1 એપ્રિલથી જનરલ, શતાબ્દિ, રાજધાની સહિત તમામ ટ્રેનોને દોડતી કરી દેવામાં આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે કોરોનાની સ્થિતી હવે નિયંત્રણમાં છે જેને ધ્યાને લઇ ટ્રેનો સંપૂર્ણ ક્ષમતાથી ચલાવવાની મંજૂરી આપવામાં આવી શકે છે. હાલ 65 ટકા ક્ષમતાથી પેસેન્જર ટ્રેનો કાર્યરત છે. મુંબઇમાં શુક્રવારે 95 ટકા લોકલ ટ્રેનોની સેવા બહાલ કરવામાં આવી હતી. ટ્રેનોની સંખ્યા તબકકાવાર વધારવામાં આવી રહી છે પરંતુ સામાન્ય લોકોએ તેમાં સફર કરવા હજુ થોડી રાહ જોવી પડી શકે છે.
મુંબઇમાં વેસ્ટર્ન રેલવે રૂટ પર 704 ટ્રેનો ચાલી રહી છે. જેમાં 3.95 લાખ મુસાફરો સફર કરે છે.સેન્ટ્રલ રેલવે રૂણ પર 706 લોકલ ટ્રેનોમાં 4.57 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. હાલ માત્ર કોવિડ સ્પેશ્યલ ટ્રેનો ચલવવામાં આવી રહી છે. જેનું ભાડુપણ પ્રમાણમાં ઉંચું છે. માર્ચમાં યાત્રીઓની સંખ્યા વધવાના અનુમાને પગલે ટ્રેનોની સંખ્યામાં વધારવામાં આવી શકે છે.