સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે કોઇ સરકારી કર્મચારીના મોત બાદ તેના પરિવારમાંથી કોઇને રહેમરાહે આપવામાં આવતી નોકરી કોઇ અધિકાર નથી પણ એક પ્રકારની રાહત છે. આ પ્રકારની નોકરી આપીને પીડિત પરિવારને એક પ્રકારની રાહત આપવાનો ઉદ્દેશ્ય જોડાયેલો છે, પણ રહેમરાહે મળતી નોકરી કોઇ અધિકાર નથી.
આ સમગ્ર મામલામાં સુ-ીમ કોર્ટે નોંધ લીધી હતી કે નોકરી માટે અરજી કરનારી યુવતીના પિતા ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ ત્રાવણકોટ લિ.માં નોકરી કરતા હતા અને 1995માં તેનું ફરજ દરમિયાન જ મોત નિપજ્યું હતું.
તેના મળત્યુના 24 વર્ષ બાદ યુવતી દ્વારા પિતાની જગ્યાએ રહેમરાહે નોકરી આપવાની માગણી કરવામાં આવી હતી. જોકે જ્યારે પિતાનું મળત્યુ થયું ત્યારે તેની પુત્રી સગીર વયની હતી, બાદમાં જ્યારે તે પુખ્ત વયની થઇ ત્યારે રહેમરાહે નોકરી માટે અરજી કરી હતી. અગાઉ આ યુવતીએ નોકરી ન મળતા કેરળ હાઇકોર્ટમાં અપીલ કરી હતી, હાઇકોર્ટે બાદમાં કંપનીને નોકરી આપવા માટે વિચારવા કહ્યું હતું. જોકે તેમ છતા નોકરી ન મળતા મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે જ્યારે મળત્યુ થયું ત્યારે તેમની પત્ની પણ નોકરી કરી રહી હતી. તેથી હાલ નોકરી માટે અરજી કરનારી યુવતી રહેમરાહે નોકરી મેળવવાને લાયક નથી તેથી હાઇકોર્ટે નોકરી માટે જે આદેશ આપ્યો હતો તેને રદ કરી દેવાયો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રહેમરાહે મળતી નોકરી કોઇ અધિકાર નહીં પણ એક પ્રકારની રાહત છે.