જામનગર શહેરમાં ત્રણ દરવાજાથી બેડી ગેઇટ તરફના માર્ગ પર આવેલી ભંગાર બજારમાં આજે સવારે ચાર દુકાનો એકાએક ધરાશાયી થતાં પીજીવીસીએલના વીજ પોલ અને એક કાર દબાઇ ગયા હતાં. તેમજ ચોકીદારને સામાન્ય ઇજા થઇ હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં કાશીવિશ્ર્વનાથ રોડ પાછળ આવેલી ભંગાર બજારમાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં જર્જરીત એવી ચાર દુકાનો એકા-એક ધરાશાયી થઇ ગઇ હતી. ચાર દુકાનો એક સાથે ધરાશાયી થતાં ત્યા પાર્ક કરેલી એક કારનો ભુક્કો બોલી ગયો હતો અને પીજીવીસીએલના ત્રણ વિજપોલ પણ તૂટી ગયા હતાં. સવારના સમયે બનેલી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કામગીરી શરૂ કરી હતી. દુકાનો ધરાશાયી થવાના બનાવમાં એક ચોકીદારને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે, અન્ય કોઇ જાનહાની થઇ ન હતી.