જામનગર શહેરના જાડેજાવાસ વિસ્તારમાં રહેતાં પૂર્વ કોર્પોરેટરના યુવાન પુત્રએ તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વિકટોરીયા પુલ નજીક આવેલા જાડેજાવાસમાં રહેતાં પૂર્વ કોર્પોરેટર નયનાબેન ખેંગારભાઈ ચાવડાનો પુત્ર વિજય ચાવડા (ઉ.વ.33) નામના યુવાને આજે તેના ઘરે કોઈ કારણસર સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને બેશુધ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો. વધુમાં મળતી વિગત મુજબ, યુવાન હાલમાં જ હત્યા કેસમાં જામીન ઉપર મુકત થયા બાદ ઘરે આવ્યો હતો અને ત્યારબાદ જિંદગી ટૂંકાવી હતી. જોકે, મૃતકના પરિવારજનો દ્વારા વિજયને ખોટી રીતે હત્યાના કેસમાં ફસાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.