જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી તા.1 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. ત્યારે જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય અને કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણીના અનુસંધાને બીએસએફ તથા સીએપીએફ સહિતની ટૂકડીઓ જામનગરમાં છે. ત્યારે ગઈકાલે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવા, પીઆઈ પી.એલ.વાઘેલા તથા વી.એ.પરમાર તેમજ પોલીસના જવાનો અને બીએસએફના જવાનો દ્વારા શહેરના શાસ્ત્રીનગર, નવી નિશાળ, હુશેની ચોક, સુભાષપરા-1, સુભાષપરા-2, ઈદગાહ મસ્જિદ, નહેરુનગર, ઓધવનગર, વાલ્મિકીવાસ સહિતના વિસ્તારોમાં ફલેગમાર્ચ યોજી હતી અને આ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિટી એ પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીઆઈ જી.જે. ગામીત તથા સીએપીએફના જવાનો અને સીટી એ પોલીસ દ્વારા સીટી એ ના દરબારગઢ, બર્ધનચોક, મુલ્લામેડી, રંગુનવાલા હોસ્પિટલ, સતવારાવાડ, પટણીવાડ, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું.