જામનગર શહેરના ગોકુલનગર પ્રજાપતિ સોસાયટી વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિતના પાંચ શખ્સોને પોલીસે રૂા. 14,500ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી પ્રજાપતિ સોસાયટી, બુદ્ધિસાગર સ્કૂલની બાજુની શેરીમાં જાહેરમાં જુગાર રમાતા સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન દિલીપ વશરામ પાથર, વજશી અરજણ ગોજિયા, રમેશ પાલા વશરા, કિશોર નાનજી વારોતરિયા અને એક મહિલા સહિતના પાંચ શખ્સોને રૂા. 14,500ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામજોધપુર તાલુકાના ચુર ગામમાં આઇ માતાજીના મંદિર નજીક ઝાડના છાંયડામાં જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન કિરણ સામત ડાંગર, ભૂપત ટપુ ગોજિયા, કના જીવા કરમુર, હેમંત પાલા ગાગિયા અને કાના ભોલા કરંગિયા નામના પાંચ શખ્સોને રૂા. 5570ની રોકડ રકમ તથા ગંજીપન્ના સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


