જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયો છે અને દરરોજ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને મોતનો આંકડો પણ વધતો જાય છે. જેમાં આજે જામનગરની કોવિડ હોસ્પિટલમાં એક સાથે બે વૃધ્ધાના મોત નિપજતા ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા 48 કલાકમાં ત્રણ સહિત પાંચ વ્યક્તિઓના કોરોનાથી મોત થયા છે. ઉપરાંત 48 કલાકમાં હાલારમાં 894 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગરના આનંદ કોલોની શેરી નંબર -8 વિસ્તારમાં રહેતાં 70 વર્ષીય વૃદ્ધાની કોરોનાની સારવાર માટે જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં આજે સવારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. આ વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 72 વર્ષના વૃધ્ધાનું પણ સવારે જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આજ સવારે એક સાથે બે વૃદ્ધાના મોત નિપજ્યાની ઘટનાથી તંત્રમાં દોડધામ થઈ ગઇ છે. છેલ્લાં 48 કલાકમાં જામનગર શહેરમાં 526 અને 138 તથા ગ્રામ્ય વિસ્તારમાં 42 અને 167 તથા દ્વારકામાં 121 મળી કુલ 894 પોઝિટિવ કેસ નોંધાયા હતાં તેમજ જામનગર શહેરમાં 203 અને 128 તથા ગ્રામ્યમાં 32 અને 40 તથા દેવભુમિ દ્વારકા જિલ્લામાં 96 દર્દીઓ સાજા થયા હતાં.
જામનગર શહેરમાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના સંક્રમણ ગંભીર રીતે વધી રહ્યું છે અને દરરોજ અસંખ્ય કેસો પોઝિટિવ આવે છે. જો કે, જાહેર કરાતા આંકડા માત્ર અહીંની સરકારી હોસ્પિટલમાં કરાયેલા પરીક્ષણના છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પોઝિટિવ આવતા રિપોર્ટોની સંખ્યા એક પણ સરકારી તંત્રે જાહેર થતું નથી અને આ તબીબો પાસેથી તંત્ર દ્વારા આંકડા લેવામાં આવતા નથી અને તબીબો પણ તંત્રને આંકડા આપતા નથી. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં આવતા પોઝિટિવ કોરોનાના રિપોર્ટ કયાંય પણ જાહેર થતા નથી! જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતું જાય છે. જિલ્લામાં કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને કોરોનાના લક્ષણો જતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોને પરીક્ષણ કરાવવા અપીલ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ કોરોનાનું સંક્રમણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું હોય તેવા આંકડા પ્રકાશમાં આવ્યા છે. બે દિવસના સમયગાળામાં 121 નવા પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે.
આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસના જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ શનિવારે ભાણવડમાં 6, દ્વારકામાં 38, કલ્યાણપુરમાં 6 અને ખંભાળિયામાં 17 મળી કુલ 67 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે રવિવારે દ્વારકા તાલુકાના 30, ખંભાળિયા તાલુકાના 15, કલ્યાણપુર તાલુકાના 7 અને ભાણવડ તાલુકાના 2 મળીને 54 નવા કેસ નોંધાયા છે. બે દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના 121 સંક્રમિતો વધ્યા છે. વચ્ચે શનિવારે ભાણવડ તાલુકાના 19, દ્વારકા તાલુકાના 28, કલ્યાણપુર તાલુકાના 3 અને ખંભાળિયા તાલુકાના 5 મળી કુલ 55 દર્દીઓને જ્યારે ગઈકાલે રવિવારે દ્વારકા તાલુકાના 20, ખંભાળિયા તાલુકાના 11, કલ્યાણપુર તાલુકાના 7 અને ભાણવડ તાલુકાના 3 મળી, કુલ 41 દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 48 કલાકમાં 96 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.