જામનગર અને સૌરાષ્ટ્રમાં વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાના અનેક ડેમોમાં નવાનીરની આવક શરૂ થઇ છે. જેના કારણે જોડિયા તાલુકાના તારાણા ગામ પાસે આવેલાં આજી-4 ડેમના 10 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવતાં બાલંભા, રણજીતપર, હિરાપર, મોરાણા, તારાણા, માધાપર, સામપર, જામસર, માણામોરા અને ભીમકટા, જીરાગઢ, દુધઇ, હાજમચોરા, કોથારિયા અને મેઘપર તથા ધ્રોલ તાલુકાના મજોઠ ગામ નજીક આવેલાં ઉંડ-2 ડેમમાં ઉપરવાસના પાણીની આવક ચાલુ થવાથી ડેમના 7 દરવાજા 3 ફૂટ ખોલાતા ધ્રોલ તાલુકાના મજોઠ અને જોડિયા તાલુકાના આણંદા, કુન્નડ, ભાદરા, બાદનપર, જોડિયાના ગ્રામજનોને તેમજ પડઘરી તાલુકાના ખજુરડી ગામ પાસેના આજી-3 ડેમમાં ઉપરવાસના પાણીની આવક થવાથી 9 દરવાજા 3 ફુટ ખોલાતા જોડિયા તાલુકાના બોડકા, જશાપર, જીરાગઢ, મેઘપર, પીઠળ, રસનાળ, ટીંબળી તથા ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગાડીયા, સુધાધુના અને દેડકદડના ગ્રામજનોને નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરી ચેતવણી આપવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના સીદસર પાસે આવેલા ઉમિયાસાગર ડેમમાં પાણીની આવક થવાથી છ દરવાજા એક ફૂટ ખોલાતા સીદસર ગામના લોકોને નદીમાં પટમાં અવર-જવર નહીં કરવા માટે અપીલ કરાઇ છે. ધ્રોલ તાલુકાના ખોખરી ગામ પાસે આવેલા ઉંડ-1 ડેમમાં પાણીની આવક થવાથી પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા છે. જેથી જામનગર તાલુકાના તમાચણ, રવાણી ખીજડિયા, ખંભાલિડા, ધ્રાંગડા, ધ્રોલ તાલુકાના હમાપર, જાવિયા, માલસર, નથુવડલા, સોયલ, વાંકીયા, વીરાણી ખીજડિયા, રોજિયા અને જોડિયા તાલુકાના લખતરના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા સાવચેત કરવામાં આવ્યા છે.