ભારતના છેવાડાના અને સંવેદનશીલ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે પોલીસ તંત્ર દ્વારા વિદેશથી ઘુસી આવતા નાગરિકો તેમજ માદક પદાર્થો સંદર્ભે સઘન કાર્યવાહી કરવામાં આવે છે. આ વચ્ચે રવિવારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી બાંગ્લાદેશની રહીશ એવી પાંચ મહિલાઓને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના વિવિધ દરિયાકાંઠા વિસ્તાર સહિતની મહત્વની જવાબદારી એસ.ઓ.જી. પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે તારીખ 16 ના રોજ એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને જગદિશભાઈ કરમુરને મળેલી બાતમીના આધારે દ્વારકાના રૂપેણ બંદરની સામે આવેલ રૂક્ષ્મણી માતાજીના મંદિરની પાછળના માર્ગ પર અલગ પ્રકારની ભાષા બોલતી પાંચ જેટલી શંકાસ્પદ મહિલાઓ જોવામાં આવેલ છે અને તેઓએ પોતાના ચહેરા છુપાય તે રીતે ઢાંકીને રાખે છે. આ સાથે ઉપરોક્ત મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ હોવાનું ધ્યાને આવતા એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સીંગરખીયા તેમજ તેમની ટીમ દ્વારા મહીલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને આ સ્થળે કરવામાં આવેલી તપાસમાં પાંચ શંકાસ્પદ મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આ મહિલાઓ પાસે જઈને તેઓને ભારતમાં પ્રવેશવા અંગે પાસપોર્ટ, વિઝા તથા અન્ય ભારતના દસ્તાવેજ રજુ કરવા જણાવતા તેઓએ પોતાની પાસે કોઈ દસ્તાવેજ નહિં હોવાનું જણાવ્યું હતું અને પોતે બાંગ્લાદેશી નાગરીક હોવાની કબુલાત પણ આપી હતી. આથી પોલીસે તેઓ પાસે રહેલા મોબાઈલ ફોન ચેક કરતા તેમાંથી બાંગ્લાદેશી દસ્તાવેજોમાં જન્મ તારીખના દાખલા, બાંગ્લાદેશી નેશનલ આઇડેન્ટી કાર્ડના ફોટાઓ તથા બાંગ્લાદેશી મોબાઇલ નંબરો મળી આવ્યા હતા. આ સમગ્ર બાબતોના અનુસંધાને તમામ મહીલાઓને વધુ પુછપરછ અર્થે તેઓની તાકીદે અટકાયત કરી, રીસ્ટ્રીક્શન હેઠળ રાખવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
ડિટેઇન કરવામાં આવેલ બાંગ્લાદેશી મહીલાઓના નામ રૂબી ડો.ઓ. પોનુ ખા સોનુ ખા વા.ઓ. મોનન હસન આલી, મુસ્લીમ (ઉ.વ.35), સાદીયા ઉર્ફે શીતલબેન ડો.ઓ. શુકુર ઈશાકભાઈ સેખ વા.ઓફ મીનેષ રોહિતભાઈ સોની મુસ્લીમ (ઉ.વ. 26), સુમી ઉર્ફે રીયા ડો.ઓ. રોબી કાદરભાઈ શેખ વા.ઓ. ખોરસદ ગુયે શેખ મુસ્લીમ (ઉ.વ. 35), ખાલીદા ઉર્ફે નઝમાબેબી ડો.ઓ. મહંમદઅલી રજબઅલી વા.ઓ. અબ્દુલા કાદર રાણા, મુસ્લીમ (ઉ.વ.33) અને રૂબી ડો.ઓ. રોબી કાદરભાઈ શેખ વા.ઓ. રિદય બબલુ બગડીયા મુસ્લીમ (ઉ.વ.35) હોવાનું જાહેર થયું છે.
ઝડપાયેલી આ મહિલાઓની વધુ પૂછપરછમાં જાહેર થયું છે કે આ મહીલાઓએ બાંગ્લાદેશના વિવિધ એજન્ટની મદદથી બાંગ્લાદેશ અને પશ્ર્ચિમ બંગાળની સરહદની ભૌગોલીક પરીસ્થિતિનો લાભ લઇ, બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી હતી. જેના માટે રૂ. 25000 ની આસપાસ રકમ આપવામાં આવેલા એજેન્ટએ સરહદ પર આવેલી નદી અને દરીયાઈ ખાડીનો ઉપયોગ કરીને ભારતમાં ઘુસણખોરી કરાવી હતી. જેમાં ખાસ કરીને બાંગ્લાદેશના જેશોરથી ભારતના બાંગા વચ્ચે આવેલી નદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતમાં પ્રવેશ્યા બાદ અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદથી અલગ-અલગ ભાગમાં વસવાટ કરવામાં આવે છે. ભારતમાં રહેલ બાંગ્લાદેશી અને અમુક ચોક્કસ લોકો દ્વારા છુટક મજુરીનું કામ તેમજ રહેવા માટેની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. ભારતમાં કાયમી વસવાટ કરી શકે તે માટે કોઈ ભારતીય નાગરીક સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેવામાં આવતું હતું. અમુક મહીલાઓ 7 થી 10 વર્ષથી ભારતમાં વસવાટ કરતા કબૂલાત પણ પોલીસે આવી હતી. અહીં છુટક મજુરી દ્વારા કમાયેલી રકમ પશ્ર્ચિમ બંગાળના એજન્ટને ઓનલાઈન અથવા બેંક મારફતે મોકલી આપવામાં આવે છે. જે રકમમાંથી એજન્ટ પોતાનુ કમીશન લઈ બાકીની રકમ બાંગ્લાદેશ બોર્ડર મારફતે બાંગ્લાદેશમાં રહેતા તેના પરીવારને મોકલી આપવામાં આવે છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. પ્રશાંત સિંગરખીયા. પી.એસ.આઈ. આર.જી. વસાવા, રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, વિરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ કરમુર, હરદાસભાઈ મોવર, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, વિજયસિંહ, કરણકુમાર, સ્વરૂપસિંહ અને પ્રકાશકુમાર દ્વારા કરવામાં આવી હતી.