ઇંગ્લેન્ડે ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 263 રન કર્યા છે. જો રૂટ 128 રને અણનમ છે. રૂટે પોતાની 100મી ટેસ્ટમાં સેન્ચુરી મારી, તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો નવમો ખેલાડી બન્યો છે. આ તેના ટેસ્ટ કરિયરની 20મી સદી છે. ભારત માટે જસપ્રીત બુમરાહે 2 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી છે.
જો રૂટ અને ડોમિનિક સિબલેએ ત્રીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. 9 વર્ષે ભારત સામે ભારતમાં 200 રનની ભાગીદારી કરી છે. છેલ્લે 2012માં જોનાથન ટ્રોટ અને ઇયાન બેલે નાગપુરમાં 208 રનની ભાગીદારી કરી હતી. તે રૂટની ડેબ્યુ ટેસ્ટ હતી. ડોમિનિક સિબલેએ કરિયરની ચોથી ફિફટી ફટકારતાં 286 બોલમાં 12 ફોરની મદદથી 87 રન કર્યા હતા. તે દિવસની છેલ્લી ઓવરમાં બુમરાહની બોલિંગમાં LBW થયો હતો.ડેન લોરેન્સને LBW કરીને જસપ્રીત બુમરાહે ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ વિકેટ ઝડપી છે. આ મેચ પહેલાં બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની એવરેજથી 79 વિકેટ લીધી હતી. આ બધી ટેસ્ટ તે ભારતની બહાર રમ્યો હતો. આ તેની ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ છે.
રોરી બર્ન્સ અને ડોમિનિક સિબલેએ ઇંગ્લેન્ડની સારી શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. છેલ્લે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને મેટ રેનશોએ રાંચી ખાતે ફિફટીની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. બર્ન્સ અશ્વિનની બોલિંગમાં રિવર્સ કરવા ગયો હતો, બોલ ગ્લવ્સને અડ્યો અને પંતે સરળ કેચ કર્યો. બર્ન્સે 60 બોલમાં 2 ફોરની મદદથી 33 રન કર્યા હતા.
પહેલી ટેસ્ટમાં પાંચેય દિવસ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ટેસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ચેપોકની પીચ સામાન્ય રીતે સ્પિનરો-અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ઝડપી બોલરો માટે પણ તક હશે, કારણ કે પિચ પર ઘાસ છે. પિચ ક્યુરેટર વી.રમેશ કુમારે કહ્યું કે ચેપકની પિચ સામાન્ય રીતે જોવામાં સપાટ હોય છે, પરંતુ આ વખતે સ્કવેર અને આઉટફિલ્ડમાં ગ્રીન ઘાસ છે. ચેપોકમાં લાલ માટીનો ઉપયોગ થાય છે. ટેસ્ટમાં ત્રીજા દિવસથી સ્પિનરોને ખાસ મદદ મળી શકે છે.