ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિજ ધાંધિયાના કારણે લોકો ત્રસ્ત બની ગયા છે. હળવા વરસાદ વચ્ચે પણ અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના બનાવ બની રહ્યા છે. આ વચ્ચે આજે વીજ વાયરો તૂટવા તથા વિજ પોલ પર શોર્ટ સર્કિટ થવાના બનાવથી પીજીવીસીએલ તંત્રની પ્રીમોન્સૂન કામગીરી સામે પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં આજરોજ વિજ વાયરો તૂટવાનો બનાવ બન્યો હતો. આ બનાવના પગલે અનેક વેપારીઓના કોમ્પ્યુટર બળી જવા તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાની થયાની ફરિયાદ ઉઠવા પામી છે.
આ પછી આજરોજ સાંજે સ્ટેશન રોડ વિસ્તારમાં પણ કેબલ ફોલ્ટ સર્જાતા એક વીજળીના થાંભલા પર પસાર થતા વીજવાયરો ટકરાવાના કારણે આ વીજ પોલ પર આતશબાજી જેવા કડાકા- ભડાકા સર્જાયા હતા. આ ભડાકાથી સ્થાનિક દુકાનદારોમાં ભયનું લખલખુ પસાર થઈ ગયું હતું અને થોડો સમય દોડધામ મચી ગઈ હતી. શહેરમાં અવારનવાર સર્જાતા વીજ વિક્ષેપ તેમજ આ પ્રકારે કડાકા-ભડાકા તથા આના કારણે થતી નુકસાનીથી પીજીવીસીએલ તંત્ર દ્વારા કયા પ્રકારની પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે? તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.
ફક્ત ચોમાસા જ નહીં પરંતુ ગમે તે સમયે વિજ પુરવઠાની વધઘટ તેમજ શોર્ટ સર્કિટ જેવી પરિસ્થિતિમાં મહત્વનું ઉપયોગી ઉપકરણ રોબોટને ગણવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમ કે ઘરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે એક રોબર્ટ ફીટ કરવાની દેવામાં આવે તો આ પ્રકારની વીજ સમસ્યા સર્જાય ત્યારે કિંમતી ઉપકરણને નુકસાની થતી અટકે છે. જેથી લોકોએ જાગૃત બની, પોતાના ઘરે કે ધંધા- વ્યવસાયના સ્થળે રોબોટ ફીટ કરાવો હિતાવહ હોવાની સલાહ પીજીવીસીએલના અધિકારી દ્વારા આપવામાં આવી છે.