લાંબા સમય બાદ જામનગરમાં તળાવની પાળે બાલકનજી બારીવાળી જગ્યામાં સાયન્સ નોલેજ પાર્ક બનાવવાનું મુહુર્ત આવ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. અહીં સાયન્સ મ્યુઝિયમ બનાવવાના નિર્ણયના વર્ષો બાદ આખરે જામ્યુકોની સ્થાયી સમિતિએ આ માટે રૂપિયા 9.39 કરોડનું ખર્ચ મંજૂર કર્યુ છે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં અંદાજે 11 કરોડના જુદા-જુદા વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી. જેમાં ઉપરોકત સાયન્સ નોલેજ પાર્કનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વોર્ડ નં. 9માં ગુરૂદ્વારા ચર્ચ પાસે સ્ટોમ વોટર ડ્રેનેજ તેમજ વોટર હાર્વેસ્ટીંગના કામ માટે રૂા. 66.68 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. જયારે ભૂગર્ભ ગટરની સફાઇ, રસ્તા મરામત વગેરેના કામો પણ મંજુર કરવામાં આવ્યા હતા. આજે યોજાયેલી આ બેઠકમાં જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપરાંત ડેપ્યુટી મેયર તપન પરમાર, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, ઇન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ તથા જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય કે જેઓ તાજેતરમાં જામનગર દક્ષિણના વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છે તેવા દિવ્યેશ અકબરીનું સ્થાયી સમિતિમાં પદાધિકારીઓ, સભ્યો તથા અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.