જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારથી સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, ગઈકાલ સુધીમાં 315 મિલકતો તોડી પાડવામાં આવી હતી. જ્યારે આજે બાકી રહેલી બે ધાર્મિક સ્થળો સહિતની 30 મિલકતોમાં પાડતોડ કરવામાં આવી રહી છે.
મળતી વિગત મુજબ જામનગરના સ્વામિનારાયણ નગરથી નવાગામ ઘેડ સુધી 3.5 કી.મીનો વિસ્તાર કે જેમાં 331 મિલકત ધારકો ને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી, અને તેના ભાગરૂપે મેગા ડીમોલેસન હાથ ધરવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે 111 મિલકતો માં માર્કિંગ કરાયેલી જગ્યા સુધી નું ડીમોલેશન કરી લેવામાં આવ્યું હતું, ત્યારબાદ રવિવાર-સોમવાર અને મંગળવારે પણ સવારથી ડિમોલીસન અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું, અને આજે બાકી વધેલી 30 જેટલી મિલકતોમાં પાડતોડની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેમાં પણ તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે. આ ડીમોલીશન કામગીરી મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીની સૂચનાથી અધિકારીઓ અને એસ્ટેટ શાખા સહિતની શાખાઓની ટીમો, મનપાના 100 થી વધુનો સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગઈકાલે ચોથા દિવસે પણ આ ડિમોલિશનની કામગીરી યથાવત રીતે ચાલુ રાખવામાં આવી હતી. 50 મિલકતો તોડવામાં આવી હતી. જયારે આજે બુધવારે બાકી 30 મિલકતોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. આમ અત્યાર સુધીમાં 315 મિલકતો માં પાડતોડ પૂર્ણ કરી લેવામાં આવી છે. અને બાકી રહેલી અધુરી કામગીરી આજે જુદી જુદી ચાર ટીમોને દોડાવીને પૂર્ણ કરાવવામાં આવી રહી છે. બે ધાર્મિક સ્થળોમાં સ્થાનિકો દ્વારા સ્વયંભૂ જગ્યા ખોલી કરાવવાની બાંહેધરી અપાતાં તંત્રની જોવાતી રાહ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં તેમજ રામેશ્વર નગર વિસ્તારમાં ડીપી રોડની કપાતની કામગીરી દરમિયાન બે ધાર્મિક સ્થળો આવી જાય છે. આ મિલકત જ્યાં પણ કપાત કરવાની હોવાથી બંને ધાર્મિક સ્થળના સંચાલકો-વ્યવસ્થાપકો વગેરેને નોટિસ પાઠવી દેવામાં આવી હતી. જેમાં બંને ધાર્મિક સ્થળો ને સ્વયંભૂ રીતે દૂર કરવા માટેની કામગીરી કરી લેવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જેથી તંત્રએ બંને ધાર્મિક સંસ્થાના વ્યવસ્થાપકોને પૂરી તક આપી છે અને આજ સાંજ સુધીમાં બંને ધાર્મિક સ્થળોની જગ્યા ખાલી કરવાની કામગીરીને અનુરૂપ ખુલ્લી કરી દેવાનું અલ્ટીમેટમ અપાયું છે. જે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ટીમ જાતે જ ઉપરોક્ત ધાર્મિક સ્થળ વાળી જગ્યાને ખુલ્લી કરાવશે તેમ જાણવા મળી રહ્યું છે.


