જી-20 દેશોની બેઠકને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ઘને ખતમ કરીને શાંતિનો સંદેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ જી-20 દેશોની બેઠકોને સંબોધીને કોરોના, યુક્રેન યુધ્ઘ, ઉર્જા સંકટ, ફર્ટિલાઇઝર, ખાદ્ય સંકટ જેવા મુદ્દાઓ પર વિશ્વને ચેતવણી આપી છે.
તેમણે કહ્યું કે મેં ઘણી વખત પુનરાવર્તન કર્યું છે કે આપણે યુદ્ઘવિરામ અને કૂટનીતિના માર્ગ પર આગળ વધીને યુક્રેન યુદ્ઘનો ઉકેલ શોધવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વએ છેલ્લી સદીમાં બીજા વિશ્વ યુદ્ઘ દરમિયાન તબાહી જોઈ હતી. તે સમયના નેતાઓએ તે સંકટમાંથી બહાર આવવા માટે ગંભીર પ્રયાસો કર્યા હતા અને શાંતિના માર્ગે આવ્યા હતા. હવે આપણો વારો છે. બાલીમાં જી-20ને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે કોરોના બાદ હવે એક નવો વર્લ્ડ ઓર્ડર તૈયાર થઈ રહ્યો છે અને તેની જવાબદારી હવે આપણા પર છે.
તેમણે કહ્યું કે શાંતિ, સૌહાર્દ અને સુરક્ષા માટે નક્કર પગલાં ભરવાની સમયની જરૂરિયાત છે. પીએમ મોદીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે આવતા વર્ષે જયારે અમે બુધ્ધ અને મહાત્મા ગાંધીની ધરતી પર મળીશું ત્યારે વિશ્વને શાંતિનો સંદેશ આપી શકીશું. વડાપ્રધાને કહ્યું કે યુક્રેનમાં યુધ્ધને કારણે વિશ્વમાં ખાદ્ય સંકટ છે અને સપ્લાય ચેઈન પણ નબળી પડી છે. તેમણે કહ્યું કે અમે દેશમાં ખાદ્ય સુરક્ષા માટે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપ્યું છે.
આ ઉપરાંત પરંપરાગત પાકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બાજરી દ્વારા આ શકય બનશે અને તેનાથી વિશ્વમાં કુપોષણ અને ભૂખમરો સામે લડવામાં મદદ મળશે.
પીએમએ કહ્યું કે આજે વિશ્વમાં ખાતરની અછત છે. આવતીકાલે તે ખાદ્ય સંકટમાં ફેરવાઈ શકે છે. જો આવું થશે તો દુનિયા પાસે તેનો કોઈ ઉકેલ નહીં રહે. તેમણે કહ્યું કે અમારે સમાધાન કરવું પડશે જેથી અનાજની સપ્લાય ચેઈન પર કોઈ વિપરીત અસર ન થાય. આટલું જ નહીં પીએમ મોદીએ દુનિયાને રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધવાનો સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે 2030 સુધીમાં આપણી વીજળીની જરૃરિયાતનો અડધો ભાગ રિન્યુએબલ એનર્જીથી થશે. તેમણે કહ્યું કે આનાથી ખર્ચમાં પણ ઘટાડો થશે અને અમે ટકાઉ વિકાસ તરફ આગળ વધીશું.
વડાપ્રધાને કહ્યું કે વિશ્વના વિકાસ માટે ભારતની ઉર્જા સુરક્ષા જરૃરી છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આપણે ઊર્જાના પુરવઠા પર કોઈ નિયંત્રણો લાદવા જોઈએ નહીં. એનર્જી માર્કેટમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવું પડશે. ભારત સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણમાં વિકાસને વેગ આપવા માટે પ્રતિબધ્ધ છે.