જામનગર શહેરમાં બનેલી શરમજનક ઘટનામાં રીક્ષા ચલાવતા નરાધમ પિતાએ તેની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધાની ઘટનાએ હચમચાવી દીધા હતાં. પોલીસે નરાધમ પિતા વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ રીક્ષા ચલાવતા 45 વર્ષના શખ્સે પોતાની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી લઇ ગર્ભવતી બનાવી દેતા ફીટકારની લાગણી ફેલાઈ છે. બુધવારે બપોરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચેલા બનાવની વિગત મુજબ 14 વર્ષની વયની સગીર પુત્રી તેના કુટુંબીજનોને મંગળવારે મળી હતી ત્યારે તેણીના પેટનો ભાગ વધેલો જોવા મળ્યો હતો. તેથી પરિવારના અન્ય મહિલા સભ્યોએ સગીરાની પૂછપરછ કરી હતી. સગીરાની માતાનું અવસાન થઈ ગયું હોવાથી તેના પિતા અન્ય એક બહેન અને ભાઈ સાથે રહે છે જે સગીરા સુનમુન રહી હતી. બાદમાં સગીરાનું પરીક્ષણ કરાવતા ગર્ભવતી બની ગઈ હોવાનું ધ્યાનમાં આવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતાં. આથી સગીરાના અન્ય કુટુંબીજનોએ તેમને ફોસલાવીને જીણવટ ભરી પૂછપરછ કરતા આખરે તેણીએ સમગ્ર હકીકત વર્ણવી હતી અને પોતાના પિતા જ છ માસ પહેલાં હવસનો શિકાર બનાવી લઇ વારંવાર દુષ્કર્મ ગુજાર્યે રાખતા હતાં અને જો આ વાતની કોઇને જાણ કરશે તો પતાવી નાખશે તેવી છરીની અણીએ ધમકી આપતો હોવાથી સગીરાએ આ બાબતે કોઈને જાણ કરી ન હતી.
સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં મામલો પહોંચ્યો પછી પોલીસ ઈન્સ્પેકટર કે.જે. ભોયે એ સગીરાનું નિવેદન નોંધી તેની ફરિયાદના આધારે નરાધમ આરોપી પિતા સામે દુષ્કર્મ ગુજારવા અંગેની કલમ તેમજ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની અટકાયત પણ કરી લીધી છે. જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.