જામનગર શહેરમાં સાડા ત્રણ વર્ષ પહેલાં સસરાના ઘરે આવેલા જમાઈને હત્યા નિપજાવાના કેસમાં સસરાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે મૃતકના સાસુ અને સાળાને મદદગારી કરવા બદલ ત્રણ ત્રણ વર્ષની સજાનો આદેશ કરવામાં આવ્યો છે.

કેસની વિગત મુજબ, જામજોધપુર પંથકમાં રહેતા લલીલ રામજીભાઈ સોંદરવા નામના યુવાનના લગ્ન જામનગર શહેરના સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતાં પાલાઈ અરજણભાઈ કટારીયાની પુત્રી સાથે 2021 પહેલાં થયા હતાં ત્યારબાદ યુવતીને તેણીનો પતિ લલિત ત્રાસ આપતો હતો અને જ્યારે જામનગર સસરાને ત્યાં આવ્યો ત્યારે લલિતે સાળાની પત્ની ઉપર પણ નિર્લજજ હુમલો કર્યો હતો. આ હુમલો લલિતના સસરા જોઇ ગયા હતાં. જેથી સસરાએ જમાઈને સમજાવ્યા હતા તેમ છતાં જમાઈ લલિતનું વર્તન સુધર્યુ ન હતું. દરમિયાન ગત તા.17 માર્ચ 2021ની રાત્રિના સમયે જુના રેલવે સ્ટેશન પાસે આવેલી ફોરેસ્ટ કોલોની પાછળના વાડી વિસ્તારના કૂવામાં અર્ધ સળગેલો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.
તપાસ દરમિયાન આ મૃતદેહ જામજોધપુર પંથકના લલિત રામજીભાઈ સોંદરવાનો હોવાનો ખુલ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા મૃતક લલિત સોંદરવા જામનગરમાં તેના સસરા પાલાભાઈના ઘરે આવ્યો હતો ત્યારે લાપતા થયો હોવનું ખુલ્યું હતું. જેથી પોલીસે મૃતકના સસરા પાલાભાઈ, સાળો બિપીન ઉર્ફે વિપુલ અને સાળાની પત્ની જયાબેનની પૂછપરછ હાથ ધરતા તા.16 માર્ચના રોજ લલિત નશો કરીને રાત્રિના સમયે સસરાના ઘરે આવીને ખાટલમાં સુતો હતો તે દરમિયાન તેના સસરા પાલાએ ઓઢણી વડે જમાઈને ગળેફાંસો દઈ જમાઈની હત્યા નિપજાવી હતી અને ત્યાારબાદ તેના પુત્ર બિપીન અને પત્ની જયાબેનને બોલાવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને એક રીક્ષામાં મુકી ફોરેસ્ટ કોલોની પાછળ આવેલા અવાવરું કુવામાં ફેંકી દઇ તેના ઉપર પેટ્રોલવાડી ઓઢણી નાખી દિવાસળી ચાંપી સળગાવી દીધો હતો. આ પ્રકરણમાં પોલીસે મૃતકના ભાઈ સંજયની ફરિયાદના આધારે મૃતકના સાસુ સસરા અને સાળા સામે હત્યાનો ગુનો ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસ અદાલતમાં ચાલી જતાં સરકાર તરફથી પબ્લિક પ્રોસીકયુટર પિયુષ પરમારની યુવાનને પતાવી દઈ મૃતદેહનો નિકાલ કરી અને તેના પર પેટ્રોલવાડી ઓઢણી નાખી કચરો છાંટી સળગાવી દઈ પૂરાવાનો નાશ કર્યાનો પ્રયાસ કર્યો હોય. જેથી આરોપીને સખ્ત સજા આપવાની ધારદાર દલીલો અદાલતે માન્ય રાખી સસરા પાલા અરજણ કટારીયાને તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તથા મદદગારી કરનાર સાસુ અને સાળાને ત્રણ-ત્રણ વર્ષની કેદ અને 5-5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.