જામનગર જિલ્લાના સુમરી ભલસાણ ગામમાં રહેતાં ખેડૂત યુવાનને ભેંસો ચરાવવાની બાબતનો ખાર રાખી પિતા અને બે પુત્ર સહિતના ત્રણ શખ્સોએ ધારિયા અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના સુમરી ભલસાણ ગામમાં સમાજ પાસે રહેતાં મજબૂતભાઇ ગંગુભાઇ છૈયા નામના યુવાનને જયદીપ છૈયા સાથે ભેંસો ચરાવવાની બાબતે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી ખીમા ટપુ છૈયા, જયદીપ ખીમા છૈયા તથા મયૂર ખીમા છૈયા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી સોમવારે સાંજના સમયે મજબૂત સાથે બોલાચાલી કરી ધારિયા વડે હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. ત્યારબાદ પાઇપ વડે આડેધડ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. સી. આર. ઘાઘરેટિયા તથા સ્ટાફએ મજબૂતભાઇના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


