ખંભાળિયા તાલુકાના ભટગામથી કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામ સુધીના આશરે 40 કિલોમીટરના વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા 220 કે.વી.ની હાઈટેન્શન વિજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. આ કામ ગેરકાયદેસર રીતે અને નીતિ-નિયમોનો ઉલાળીયો કરીને થઈ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે.
આટલું જ નહીં, કોન્ટ્રાક્ટરો દ્વારા ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર રીતે વીજપોલ ઊભા કરી તેમાં વિજ વાયર ખેંચવાનું કામ થતું હોવાનું જણાવી સ્થાનિક ખેડૂતો દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે તંત્રની આંખ ઉઘાડવા તથા સદબુદ્ધિ માટે હવનનો પ્રતિકાત્મક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ વચ્ચે એક વયોવૃદ્ધ ખેડૂતની તબિયત લથડતાં 108 મારફતે તેમની સારવાર કરવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઉપવાસ આંદોલનને જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા ટેકો સાંપડ્યો છે. અગાઉ જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા વારંવાર સત્તાવાળાઓને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેનાર હોવાનું વધુમાં જણાવાયું છે.